સુરેન્દ્રનગર નવા ૮૦ ફુટ રોડ પર કાર પાર્ક કરવા બાબતે પાડોશીઓ બાખડયા
- સામસામી ફરિયાદ નોંધાવતા કુલ ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નવા ૮૦ ફુટ રોડ પર તિલકનગરમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી પરિવાર બાખડયા હતાં જેમાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી અને આ મામલે બન્ને પરિવારે સામસામી ફરીયાદ નોંધાવતા કુલ ૬ વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર નવા ૮૦ ફુટ રોડ પર તિલકનગરમાં રહેતા વિજયભાઇ લાલભાઇ આલ કાર લઇ તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા.
તે દરમિયાન રસ્તામાં દિવાલ પાસે પાર્ક કરેલ કાર સાઇડમાં લેવા બાબતે પડોશી મહેશભાઇ મોરીને કહેતા મહેશભાઇ મોતીભાઇ મોરી, દેવાંગભાઇ ઉર્ફે હાદકભાઇ મહેશભાઇ મોરી અને મહેશભાઇ મોતીભાઇ મોરી ઉશ્કેરાઇબે ગાળો દેવા લાગ્યા હતા અને મારામારી કરતા વિજયભાઇને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતાં.
આ મામલે વિજયભાઇએ બિ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે હેમલભાઇ ઉર્ફે હાર્દિકભાઇ જયેશભાઇ મોરીએ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે વિજયભાઇ આલ રાત્રીના સમયે ગાડી મુકવા બાબતે તેમના ઘર પાસે ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડતા વિજયભાઇએ ફરસી જેવા હથિયાર વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો .
તેમજ વિજયભાઇના પિતા લાલાભાઇ આલ અને માતા વસંતબેન લાલાભાઇ આલ પણ આવી ગયા હતા અને ગાળો દેવા લાગ્યા હતા. હેમલભાઇને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા અને આ બનાવ અંગે હેમલભાઇએ ૩ વ્યક્તિઓ વિરૂધ્ધ બિ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને પરિવારની ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.