લખતર-વિરમગામ ફોરલેન હાઈવેના કામમાં બેદરકારી
- રોડની વચ્ચે અડચણરૂપ અનેક વીજ પોલ દુર ના કરાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ વચ્ચે ફોરલેનનું કામ ચાલી રહ્યુ છે. પરંતુ આ હાઈવેનાં કામમાં કોન્ટ્રાક્ટરે અનેક બેદરકારી રાખી છે. હાઈવેના કામ દરમ્યાન ક્યાંય સાઈનબોર્ડ ન હોવાની ફરીયાદ બાદ લખતર-વિઠ્ઠલાપરા વચ્ચે અનેક જગ્યાએ હાઈવેની વચ્ચે આવતા અડચણરૂપ વિજપોલ પણ હટાવવામાં આવ્યા નથી.
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, લખતર- વિરમગામ વચ્ચેના ફોરલેન હાઈવેનું કામ ઘણા સમયથી ધીમીગતિએ ચાલતા અવારનવાર વાહનચાલકોને પરેશાન થવુ પડયુ છે, હાઈવેનાં કામ દરમ્યાન ક્યાંય પણ સાઈન બોર્ડ મુકવામાં ન આવતા અકસ્માતનાં બનાવો પણ બન્યા છે.
રોડના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. લખતર-વિઠ્ઠલાપરા વચ્ચે ૩૧ કિ.મી.નાં ફોરલેન પર રસ્તાની વચ્ચે અડચણરૂપ વિજપોલ હટાવવામાં આવ્યા નથી.લખતર જી.આઈ.ડી.સી.નજીક છથી વધારે વિજપોલ રોડની વચ્ચે ઉભા છે. જેને કારણે પુરઝડપે આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો થાય છે, તંત્ર વહેલીતકે વિજપોલ દુર કરવાનાં પગલા લે તેવી વાહનચાલકોમાંથી માંગણી ઉઠવા પામેલ છે.