લખતરના અણીન્દ્રા ગામ પાસે એસ.ટી. બસ પલટી મારતા કંડક્ટરનું મોત, 40 મુસાફરોને ઈજા

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
લખતરના અણીન્દ્રા ગામ પાસે એસ.ટી. બસ પલટી મારતા કંડક્ટરનું મોત, 40 મુસાફરોને ઈજા 1 - image


- દિયોદર-જુનાગઢ રૂટની એસ.ટી. બસને અકસ્માત નડયો

- ડ્રાઇવરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ખાડામાં ખાબકી, ત્રણ મુસાફરોને ગંભીર ઇજા

સુરેન્દ્રનગર :  લખતર તાલુકાના અણીન્દ્ર અને વણા વચ્ચે એસ.ટી.બસ પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર યુવક અને યુવતીઓ સહિત અંદાજે ૪૦થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બસ કંડકટરનું સારવાર દરમ્યાન રાજકોટ હોસ્પીટલ ખાતે મોત નીપજ્યું હતું.

 દિયોદર-જુનાગઢ રૂટની એસ.ટી.બસ પોલીસ ટ્રેનીંગમાં જઈ રહેલા યુવક અને યુવતિઓ સહિત અંદાજે ૬૦ જેટલા મુસાફરોને ભરી જુનાગઢ તરફ જઈ રહી હતી જે દરમ્યાન એસ.ટી.બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં પલટી મારી ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો .

જેમાં સવાર મુસાફરો પૈકી ડ્રાઈવર અને કંડકટર સહિત અંદાજે ૪૦ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં આસપાસના સ્થાનીકો સહિત દુકાનદારો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને એસટીબસમાં ફસાયેલ ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં સુરેન્દ્રનગર, લખતર, વઢવાણ અને માલવણ ૧૦૮ દ્વારા  તેમજ અન્ય પાંચથી દસ ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પીટલ ખાતે મોડીરાત્રે લાવવામાં આવ્યા હતાં.

 જ્યાં ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બસ કંડકટર ઘેલાભાઈ ભુવાને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં વહેલી સવારે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

 તેમજ અન્ય બે થી ત્રણ મુસાફરોને પણ ગંભીર ઈજાઓ પહોચી હોય સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે આ બનાવની જાણ થતા નાયબ મુખ્ય દંડક , જીલ્લા કલેકટર  સહિતના અધિકારીઓ પણ હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતાં અને પ્રાથમિક સારવાર લીધેલ મુસાફરો માટે અન્ય એસ.ટી.બસની વ્યવસ્થા કરાવી જુનાગઢ તરફ મોકલવામાં આવ્યા હતાં. જ્યારે આ અંગે ભોગ બનનાર ઈજાગ્રસ્ત મુસાફરે જોરાવરનગર પોલીસ મથકે એસ.ટી. બસના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવીહ તી.

મોટાભાગના મુસાફરો પોલીસ ટ્રેનીંગમાં જઈ રહ્યાં હતા

લખતરના અણીન્દ્રા પાસે એસ.ટી.બસ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસતો પૈકી મોટાભાગના યુવક અને યુવતીઓ પોલીસ ટ્રેનીંગમાં જઈ રહ્યાં હોવાનું બહાર આવ્યું હતું અને તમામને સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં જે પૈકી બે થી ત્રણ  મુસાફરોની હાલત ગંભીર હોય અમદાવાદ ખસેડાયા હતાં.



Google NewsGoogle News