ચોટીલા ડુંગરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, માતાજીની ધ્વજા સાથે વાજતે-ગાજતે પદયાત્રિકોના સંઘ પહોંચ્યા
Navratri 2024, Chotila: હિન્દુ ધર્મમાં નવરાત્રિના પર્વનું વિશેષ મહત્ત્વ છે અને નવરાત્રિ દરમિયાન લોકો ભક્તિમાં લીન બને છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે પણ નવરાત્રિના પહેલા નોરતે (ત્રીજી ઓક્ટોબર) સવારથી માઈ ભક્તોની ભીડ ઊમટી પડી હતી. સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં પહેલા દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ
નવરાત્રિ પર્વ નિમિત્તે ગુજરાતના પાવાગઢ, અંબાજી સહિતના આદ્યશક્તિના ધામોમાં ભક્તોનો ધસારો વધી જાય છે. ત્યારે ચોટીલામાં ચામુંડા માતાજી ધામે પહેલા નોરતે સવારથી સાંજ સુધીમાં 62 હજારથી વધુ ભક્તોએ માતાના ચરણોમાં શિષ જૂકાવ્યું હતું. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે અને પુનમ સહિત બારે મહિના મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શને ઊમટી પડે છે.
આ પણ વાંચો: ગુજરાતના ખરાબ રોડ રસ્તાથી બચવા ભાજપના મંત્રીએ ટ્રેન-પ્લેન દ્વારા મુસાફરી પ્લાન કરી!
ચોટીલા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં ભક્તોના ધસારાને ધ્યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીજી ઓક્ટોબરે પગથિયાના દ્વાર સવારના 4:30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જો કે અગાઉથી જ ભક્તો રાતથી ચામુંડા માતાજીના ડુંગર નીચેના પટાંગણમાં આવી પહોંચ્યા હતા. પગથિયાના દ્વારા ખુલતા જ ડુંગર પર બીરાજમાન ચામુંડા માતાજીના દર્શન કરવા ડુંગર ચઢવા લાગ્યા હતા. સવારની આરતીના સમયમાં પણ ફેરફાર કરીને નવરાત્રિ દરમિયાન 5:00 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ત્યારે ભક્તોએ ચામુંડા માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સુરેન્દ્રનગર જિલ્લા સહિત આસપાસાના અમદાવાદ, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી તેમજ બહારના રાજ્યમાંથી પણ ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા ઊમટી પડયા હતા. ઉપરાંત પદયાત્રીઓ પગપાળા સંઘમાં માતાજીની ધ્વજા અને વાજતે ગાજતે દર્શનાથે આવી પહોંચ્યા હતા. ત્યારે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. નવરાત્રિની ભીડને ધ્યાને લઈ ચોટીલા પોલીસ ટીમ દ્વારા પણ તળેટી વિસ્તારથી લઈ ડુંગર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ચામુંડા માતાજીને વિશેષ શણગાર પણ કરવામા આવે છે.
મંદિરના મહંતના જણાવ્યાનુસાર, નવરાત્રિના પહેલા નોરતે ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે અંદાજે 62,400થી વધુ ભક્તો ઊમટી પડ્યા હતા અને માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે ચોટીલા ડુંગર સહિત પગથિયા પર સમગ્ર માહોલ ચામુંડા માતકી જય...ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.