ડોળિયા બાઉન્ડ્રી પાસે ગોકળગતિએ ચાલતી ઓવરબ્રિજની કામગીરીથી વાહનચાલકો ત્રસ્ત
- બે વર્ષથી બ્રિજ નિર્માણાધીન
- સત્વરે કામગીરી પૂર્ણ નહીં કરાય તો હાઈવે ચક્કાજામ કરી આંદોલનની ગ્રામજનોની ચિમકી
સુરેન્દ્રનગર : રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી ડોળિયા બાઉન્ડ્રી પાસે નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરી ખૂબ જ મંદગતિએ ચાલતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની છે. જેના લીધે વાહનચાલકો સહિતના સ્થાનિકો રોષે ભરાયા છે અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે.
સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ એવા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી એસટી બસો, ખાનગી નાના-મોટા વાહનો તથા ભારે માલવાહક વાહનો સતત પસાર થતાં રહેતા હોવાથી વારંવાર ટ્રાફિકજામ અને અકસ્માતના બનાવો બનતા હતા. આ વધતા બનાવો રોકવા વર્ષ ૨૦૧૮માં અંદાજે ૨૦૨ કરોડના ખર્ચે નેશનલ હાઇવેને સિક્સલેન બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ૬ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં આ કામગીરી પૂર્ણ થઈ નથી.
જે અંતર્ગત ડોળિયા બાઉન્ડ્રી પાસે સિકસલેનની કામગીરી અંતર્ગત છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલતા અનેક વાહન ચાલકો સહિત ડોળિયાના સ્થાનિક રહીશો અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ડોળિયા બાઉન્ડ્રી પાસે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ તરફથી આવતા-જતા નાના-મોટા અનેક વાહનો ભેગા થાય છે.
ત્યારે ઓવરબ્રિજની ધીમી કામગીરીને કારણે કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવે છે અને અકસ્માતોના બનાવો પણ બને છે. જેથી સ્થાનિકોમાં તંત્ર અને સિકસલેનની કામગીરી કરનાર કોન્ટ્રાકટર સામે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સત્વરે ઓવરબ્રિજ સહિત સિક્સલેનની કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
તેમજ જો સત્વરે માંગ નહીં સ્વીકારાય તો ગ્રામજનો સહિતનાઓએ આંદોલન તથા હાઈવે પર ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે.