વઢવાણ 80 ફૂટના રોડ પર ખાડાઓથી વાહનચાલકો અને રહિશો પરેશાન
- રજૂઆતો છતા ઉકેલ ન આવતાં પાલિકાતંત્ર સામે રોષ
- બ્રહ્મકુમારી સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધીના રસ્તા પર ઠેરઠેર ખાડાઓ
સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફુટ રોડ પર બિસ્માર રસ્તાના કારણે લોકો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે જે અંગે જાગૃત નાગરિક દ્વારા પાલિકા તંત્રને રજુઆત કરી હતી અને કોઈ જ ઉકેલ નહિં આવે તો ઉગર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ બ્રહ્માકુમારી સર્કલથી ભક્તિનંદન સર્કલ તરફ જતા રસ્તા પર ઠેરઠેર ખોદકામના કારણે ખાડાઓ પડી જતા આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, સ્થાનીક રહિશો તેમજ વેપારીઓને હાલાકી પડી રહી છ.
તેમજ રસ્તા પર ખાડા હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ખાડાઓ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે સ્થાનીક રહિશો સહિત આસપાસના લોકોએ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તાજેતરમાં શહેરના નાગરિક કમલેશ કોટેચા દ્વારા સ્થળ પર જઈ વિડિયો બનાવી તેને સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો .
અને વાયરલ વિડિયો સાથે પાલિકાના ચીફ ઓફીસર અને પ્રમુખને રજુઆત પણ કરી હતી તેમજ આગામી દિવસોમાં આ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઢોલ-નગારા અને વિવિધ બેનરો સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.