સુરેન્દ્રનગર જીલ્લાના બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો અને લોકો ત્રાહીમામ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લાના બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો અને લોકો ત્રાહીમામ 1 - image


- વઢવાણ, પાટડી, મુળી સહિતના તાલુકાઓના ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર

- ઉબડ-ખાબડ રસ્તાઓના કારણે અકસ્માતો થવાની પણ શક્યતાઓ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાઓની હાલત વધુ ખરાબ છે. જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વઢવાણ, મુળી અને પાટડી તાલુકાના અનેક ગામોમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો તોબા પોકારી ઉઠયા છે. જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહિ આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના અનેક ગામોના રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. જેમાં માળોદ, ખોલડીયાદ, વાઘેલા, ટીંબા, ગુંદીયાળા, રામપરા સહીતના અંદાજે ૧૦ થી વધુ ગામોના ગ્રામજનો અને વાહન ચાલકોની સગવડતા માટે રતનપરથી માળોદ રોડ સુધીનો પાકો ડામર રોડ ૦૬ વર્ષ પહેલાં રૃપિયા ૦૪ કરોડથી વધુના બનાવવામાં આવ્યો હતો. જે હાલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં તેમજ ઉબડ ખાબડ હોવાથી અંદાજે ૧૦ થી વધુ ગામના લોકો, વાહનચાલકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને બિસ્માર રસ્તાને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે. જ્યારે બીજી બાજુ મુળી તાલુકા જશાપર, સરા, સડલા, દુધઈ, રામપરા સહિતના અનેક ગામોના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત પાટડી તાલુકાના ખેરવા, સેડલા, ઝેઝરી, કામલપુર, જૈનાબાદ, ગેડીયા સહિતના અંદાજે ૧૦ થી વધુ ગામોના રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે. આ તમામ રસ્તાઓ પર થી દરરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો, વિધાર્થીઓ સહિત નોકરિયાતો પસાર થાય છે અને ઉબડ ખાબડ રસ્તાઓને કારણે વાહનોને તો નુકશાન થાય જ છે પરંતુ અક્સ્માત થવાનો પણ ભય રહે છે. ક્યારેક ક્યારેક આ બિસ્માર રસ્તાઓ પર થી ૧૦૮ એમ્બ્યુલન્સને પણ પસાર થતા વાર લાગે છે જેના કારણે દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ સુધી લઈ જવામાં મુશ્કેલી પડે છે. સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નવા અને પાકા રસ્તાઓ માટે લાખો રકમની ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર વૃત્તિની કારણે હલકી ગુણવત્તાના રસ્તાઓ બનાવતા વારંવાર બિસ્માર બની જતા પ્રજાજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવે અને નવો રસ્તાઓ બનાવવામાં આવે તેવી ગ્રામજનો અને વાહનચાલકોમાં માંગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News