મહિસાગરના મહિલા કલેકટર સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવા રજૂઆત
- જોરાવરનગર પોલીસ મથકે લેખિત અરજી કરી
- સ્વાગત કાર્યક્રમમાં અનુ.જાતિના યુવક સાથે અભદ્ર ભાષામાં વર્તનને લઇ કલેક્ટર સામે રોષ
સુરેન્દ્રનગર : મહિસાગર જિલ્લાના મહિલા કલેકટર સામે એટ્રોસિટી એક્ટ મુુજબ ગુનો નોંધવા અનુ.જાતિના આગેવાનોએ જોરાવરનગર પોલીસ મથકે લેખીત અરજી કરી હતી. મહિલા કલેકટરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી રહેલા અનુ.જાતીના યુવક સાથે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સૌની હાજરીમાં હડધુત કર્યો હતો. જેને લઇ અનુ.જાતિ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં મહિસાગરના મહિલા કલેકટર નેહાકુમાર દુબેએ જાહેર સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજુઆત લઈને આવેલ અનુ.જાતિના યુવક વિજય ગલાભાઈ પરમાર સાથે જાહેર મંચ પરથી યુવકને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી હડધુત કર્યો હતો. આ ઉપરાંત વકીલો માટે પણ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા અને અનુ.જાતિના લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ૯૦ ટકા કેસ બ્લેકમેઈલ કરવા માટે કરતા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનો જોરાવરનગર પોલીસ મથકે અનુ.જાતિના આગેવાનોએ મહિસાગરના મહિલા કલેકટર નેહાકુમારી દુબે સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનોે દાખલ કરવાની લેખિત અરજી સાથે રજુઆત કરી હતી.