રામપરાની પરીણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાના જામીન નામંજૂર
- પતિ હજૂ પોલીસ પકડથી બહાર
- સાસરિયા પક્ષના ત્રાસથી પરીણિતાએ ફાંસો ખાધો હતો
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના રામપરા ગામની પરીણિતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના કેસમાં તેના સાસુ-સસરાએ સુરેન્દ્રનગર કોર્ટમાં જામીન અંગે અરજી કરી હતી. કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.
રામપરા ગામની પરીણિતા ઉષાબેન કલ્યાણભાઈ ઉર્ફે રમેશભાઈએ તા.૧૦ એપ્રિલના રોજ સાસરિયામાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકની માતાએ પતિ કલ્યાણભાઈ ઉર્ફે રમેશભાઈ ઉર્ફે ભુરો લવજીભાઈ મકવાણા, સસરા લવજીભાઈ ગાંડાભાઈ મકવાણા, સાસુ પાલુબેન સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં સાસુ-સસરાને ઝડપી પાડયાં હતાં. જ્યારે પતિ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. ત્યારે ઝડપાયેલા સાસુ-સસરાએ સુરેન્દ્રનગર કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખિક પુરાવાઓને ધ્યાને લઈ ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ નરેશભાઈ શાહ દ્વારા જામીન અરજી નામંજૂર કરી છે અને મૃતકને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં પતિને મદદ કરતા હોવાનું પણ ઠેરવ્યું હતું.