Get The App

સુરેન્દ્રનગરની 8 થી વધુ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાલાકી

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરની 8 થી વધુ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાલાકી 1 - image


- ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી 

- વરસાદના અને ગટરના પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાવાનો ભય 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં.૬માં આવેલી અંદાજે ૮થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થતા સામાન્ય વરસાદમાં જ સોસાયટીના રસ્તાઓ પર તેમજ ખુલ્લી જગ્યામાં વરસાદી તેમજ ગટરોના ગંદા પાણી ફરી વળતા અનેક પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કરોડો રૃપિયાના વિકાસના કામો કરવામાં આવ્યા હોવાની મસમોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ છે. જેમાં સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની હદમાં વોર્ડ નં.૬માં આવેલી સુગમ સોસાયટી, સંતોષ પાર્ક, શ્રીજીનગર, સંતોષ પાર્ક, ચંદ્રનગર, સૂર્યનગર, વિરાટનગર સહીત ૮થી વધુ સોસાયટીઓમાં અંદાજે ૩૦૦ થી વધુ પરિવારો છેલ્લા ૧૫ વર્ષ કરતા પણ વધુ સમયથી વસવાટ કરે છે. 

પરંતુ આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા શરૃઆતથી જ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવતા સ્થાનિક રહીશો અને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા આ તમામ રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહિ કરવાથી તેમજ ભૂગર્ભ ગટરની પાઈપલાઈન પણ યોગ્ય રીતે નાખવામાં નહિ આવતા વર્ષોથી આ વિસ્તારમાં રહેતા અનેક પરિવારને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ ઉઠયા છે. 

હાલ માત્ર સામાન્ય વરસાદમાં જ સોસાયટીઓમાં વરસાદી પાણી સાથે સાથે ભૂગર્ભ ગટરની કામગીરી પણ યોગ્ય રીતે નહિ કરી હોવાથી ગટરોના પણ ગંદા પાણી સોસાયટીઓમાં આવેલી ખુલ્લી જગ્યાઓ તેમજ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને હાલાકી પડી રહી છે. જેના કારણે રસ્તા પર લપસી જવાથી પડી જવાના બનાવો પણ બની રહ્યા છે.

 તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતા મરછરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. આ મામલે સ્થાનિક રહીશોએ અનેક વખત સ્થાનિક વોર્ડના સદસ્યો સહીત પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં મોટાભાગે અનુસુચીત જાતિના પરિવારો રહેતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા શરૃઆતથી જ ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરતા હોવાનો સ્થાનીક રહિશોએ આક્ષેપ કર્યો છે.

આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહિ આવે તો સ્થાનિક રહીશો દ્વારા પાલિકા કચેરી ખાતે ધરણા સહીત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.



Google NewsGoogle News