સુરેન્દ્રનગર જિલ્લામં 28 હજારથી વધુ મહિલાઓેએ અભયમ હેલ્પલાઇનની મદદ લીધી
- 181 અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી
- વર્ષ 2023 માં 724 પીડીત મહિલાઓને ઘટના સ્થળ પર બચાવી
સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને ઘરેલું હિંસા તેમજ વિવિધ પ્રકારની હિંસા અને મુશ્કેલીની બાબતોમાં તાત્કાલીક ધોરણે બચાવ અને સલાહ મળી રહે તેવાં હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
જેને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને જીવીકે ઈએમઆરઆઈ દ્વારા વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં કુલ ૨૮,૨૦૪ જેટલી મહિલાઓને માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડી મહિલાના જીવનમાં નવી આશા જગાડી છે આ ઉપરાંત ઘટના સ્થળ પર જઈ ૧૮૧ અભ્યમ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સીલરની ટીમ દ્વારા પણ ૫૧૦૩ જેટલા મહિલાઓને મદદ પુરી પાડવામાં આવી છે.
જ્યારે વર્ષ ૨૦૨૩માં સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૮૧ અભ્યમ હેલ્પલાઈન દ્વારા ૭૨૪ પીડીત મહિલાઓને ઘટના સ્થળ પર જઈ મદદ પહોંચાડવામાં આવી હતી જે પૈકી ૪૪૮ કિસ્સાઓમાં કુશળ કાઉન્સેલીંગ દ્વારા સ્થળ પર જ સમાધાન કરાવી નીરાકરણ લાવવામાં આવ્યું હતું .
અને અન્ય ૨૬૧ જેટલા કિસ્સાઓમાં પીડીતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડીતાને આગળની કાર્યવાહી માટે પોલીસ મથક, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ કાર્યવાહી કરી હતી આમ સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા સરાહનીય કામગીરી કરી અનેક મહિલાઓનું જીવન બચાવ્યું છે.