સુરેન્દ્રનગર શહેરમાં બજાર અને મુખ્ય માર્ગો પરથી 200 થી વધુ દબાણો હટાવાયા
- પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને દબાણો ખસેડવાની કાર્યવાહી હાથ ધરી
- 120 લારીધારકો, ૬૫ પાથરણાંવાળા તથા 20 થી વધુ દુકાનોના ઓટલા, હોર્ડિંગ્સ સહિતના દબાણો દૂર કરતા રસ્તાઓ ખુલ્લાઓ થયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ટ્રાફિકની સમસ્યા સર્જતા તથા અડચણ રૂપ દબાણો દૂર કરવા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પગલાં લેવાયા નહોતા. તેમજ લારીધારકોને વૈકલ્પિક સ્થળોએ ખસેડવા અંગે દોઢ મહિના અગાઉ નક્કી કરાયું હોવા છતાં કોઈ પગલાં ના લેવાતા વેપારીઓએ પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરીને શહેર બંધ સહિતની ચિમકી આપી હતી. જેને પગલે શુક્રવારે પાલિકા તંત્ર દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને શહેરના બજાર વિસ્તાર અને મુખ્ય માર્ગો પરથી ૨૦૦થી વધુ દબાણો દૂર કરાયા હતા. તેમજ આગામી સમયમાં પણ દબાણો દૂર કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી.
સુરેન્દ્રનગર શહેરના બજાર વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો એવા હેન્ડલુમ ચોકથી ટાવર, ટાંકી ચોકથી પતરાવાળી ચોક, મલાર ચોક, જવાહર રોડ, વિઠ્ઠલપ્રેસ રોડ સહિતના રસ્તાઓ પર રોડની બન્ને સાઈડ લારીધારકો દ્વારા ગેરકાયદેસર અને નડતર રૂપ દબાણોના કારણે અવાર-નવાર ટ્રાફિકજામના દ્રશ્યો તેમજ દુકાનો પાસે લારી ઉભી રાખતા દુકાનદારો સાથે મારામારી સહિતના બનાવોને ધ્યાને લઈ વેપારી એસોશીએસન અને આગેવાનો દ્વારા લારીધારકોને બજાર વિસ્તારમાંથી અન્ય વૈકલ્પિક જગ્યાએ ખસેડવાની માંગ કરી હતી.
આ મામલે રજૂઆતો અને બેઠકો બાદ તંત્ર દ્વારા અલગ-અલગ ત્રણ જગ્યાઓ લારીધારકો માટે ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. જેને દોઢ મહિના જેટલો સમય વિતિ ગયો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા હાથ ન ધરાતા બે દિવસ પહેલા વેપારીઓ દ્વારા આ અંગે જિલ્લા પોલીસવડા સહિત પાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરાઈ હતી.
જેમાં પાંચ દિવસમાં કોઈ ઉકેલ નહિં આવે તો શહેર બંધ,રેલી તેમજ દરેક દુકાનો પર કાળા વાવટા ફરકાવી વિરોધની ચિમકી આપી હતી. જેના બીજે દિવસે જ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને સવારથી પોલીસ સ્ટાફને સાથે રાખી શહેરના હેન્ડલુમ ચોકથી ટાવર અને ટાંકી ચોકથી પતરાવાળી ચોક સુધીમાં ઉભા રહેતા લારીધારકોને હટાવવામાં આવ્યાં હતાં.
જેમાં ૧૨૦થી વધુ લારીધારકો, ૬૫થી વધુ પાથરણાવાળા, ૨૦થી વધુ દુકાનોના નડતર રૂપ અને ગેરકાયદેસર હોર્ડિંગ્સ, ઓટલા, ગ્રીલ, કાઉન્ટર, દુકાન બહાર કરેલા મંડપ સહિતના ૨૦૦થી વધુ દબાણો જેસીબી વડે હટાવવામાં આવ્યાં હતાં.
જ્યારે જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાએ પણ દબાણ હટાવવા મુદ્દે પોલીસને સહકાર આપવાનું જણાવ્યું હતું અને કોઈપણ ગેરકાયદેસર દબાણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને કાયમી ધોરણે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. તેમજ આવતી કાલે પણ દબાણો દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ તકે પાલિકાના એન્જિનિયર સહિત પાલિકાના કર્મચારીઓ અને દબાણ વિભાગની ટીમ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
લારીધારકો અને છુટક ધંધાર્થીઓને હટાવતા તંત્ર સામે નારાજગી
બજાર વિસ્તારમાં વર્ષોથી ઉભા રહી શાકભાજી, કટલેરી, પ્લાસ્ટિક સહિતનો છુટક લારી તેમજ પાથરણામાં ધંધો કરતા ધંધાર્થીઓને તંત્ર દ્વારા હટાવાની કામગીરી કરતા રોષ જોવા મળ્યો હતો અને અન્ય જગ્યાએ ખસેડવાથી ધંધાને અસર પડવાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડશે તેમ જણાવી યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી.