ધ્રાંગધ્રાના રાજકમલ ચોકમાં ૧૫થી વધુ દુકાનોમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રાના રાજકમલ ચોકમાં ૧૫થી વધુ દુકાનોમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી 1 - image


- તહેવારો સમયે જ દુકાનોનો માલસામાન બળીને ખાખ

- ફાયર બ્રિગેડની 10 ટીમો ઘટનાસ્થળે પહોંચી : સદ્નસીબે કોઈ જાનહાની નહીં : ફટાકડાના તણખલા કે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

સુરેન્દ્રનગર,ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્ષની એક રેડીમેડની દુકાનમાં મંગળવારે સવારના સમયે આગ લાગતા દોડધામ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની અંદાજે ૧૫ થી વધુ અલગ અલગ દુકાનોમાં પણ આગ લાગતા મોટાપાયે નુકશાન પહોચ્યું હતુ.

ધ્રાંગધ્રાના રાજકમલ ચોકમાં એક કોમ્પલેક્ષમાં આવેલા વ્યાસ સિલેક્શનમાં વહેલી સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જ્યારે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના કોમ્પલેક્ષમાં આવેલી અલગ અલગ ચીજ વસ્તુઓની અંદાજે ૧૫ થી વધુ દુકાનોમાં પણ આગ પ્રસરતા આસપાસના દુકાનદારો સહિત વેપારીઓ અને રાહદારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

આ બનાવની સૌપ્રથમ જાણ ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઈજનેરને કરવામાં આવતાં ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક વીજપુરવઠો બંધ કર્યો હતો. દરમિયાન લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.  તેમજ  પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સહિતના પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

સ્થાનિક પાલિકાની ફાયર ફાયટર ટીમ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, હળવદ સહિત અંદાજે ૧૦ થી વધુ ફાયર ફાયટરો અને ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વિકરાળ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો કે આગને કારણે તમામ દુકાનોમાં રાખેલો કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતાં મોટાપાયે નુકશાન પહોચ્યું હતુ. પ્રાથમિક તપાસમાં દિવાળીના તહેવારને ધ્યાને લઈ ફટાકડાના તણખલાથી અથવા શોટ સકટને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યુ હતું. 

જ્યારે ધ્રાંગધ્રાના ડીવાયએસપી તેમજ સિટી અને તાલુકા પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વાહનો રાખી રસ્તો બ્લોક કરાવી ટ્રાફીક તેમજ લોકોના ટોળાને સાવચેતીપૂર્વક આગથી દુર રાખી આગ બુઝાવવાની કામગીરીમાં પ્રયત્નો હાથ ધર્યા હતાં. આ ઉપરાંત આર્મીને પણ જાણ કરવામાં આવતા આર્મીના ૮થી વધુ સિનિયર અધિકારીઓ તેમજ ૧૨૦ થી વધુ આર્મી જવાનો ઘટના સ્થળે પહોંચીને આગમાં બળીને ખાખ થઈ ગયેલો મુદ્દામાલ બહાર કાઢ્યો હતો.

૧૨ કલાક બાદ પણ આગ બેકાબુ 

ધ્રાંગધ્રા ખાતે લાગેલ આગ સવારના ૬-૦૦ વાગ્યા આસપાસ એક દુકાનમાં લાગી હતી અને ત્યારબાદ ૧૫ થી વધુ દુકાનોમાં પ્રસરતા વિકરાળ બની હતી જે સાંજના ૬-૦૦ વાગ્યા સુધી પણ કાબૂમાં નહીં આવતા આસપાસના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.


Google NewsGoogle News