લીમલી ગામે બે જુથો વચ્ચે અથડામણમાં બંને પક્ષના 10 થી વધુ વ્યક્તિઓને ઈજા
- ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- સામસામે તલવાર, છરી, લાકડીઓ ઉછળી, ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા : બંને પક્ષોની ફરિયાદના આધારે ૨૯ શખ્સો સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના લીમલી ગામે બે જુથો વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને જુથો હિંસક હથિયારો વડે સામસામે આવી જતા બન્ને પક્ષના અંદાજે ૧૦થી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ ફાયરિંગ થયું હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. જે મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં બન્ને પક્ષો દ્વારા સામ સામે કુલ ૨૯ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
લીમલી ગામે મોડીસાંજે બે જુથો વચ્ચે જુથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને જુથના લોકો તલવાર, છરી, પાઈપ, લાકડી સહિતના હથિયારો વડે સામસામે આવી જતા હિંસક અથડામણ થઈ હતી. જેમાં મહિલાઓ સહિત અંદાજે ૧૦થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે આ બનાવને પગલે ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી તેમજ મુળી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ગામમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જેમાં લીમલી ગામે રહેતા ફરિયાદી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમારે મહિલાઓ સહિત ૧૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફરિયાદી અને તેમના કુટુંબીજનો ગામના તળાવની પાળે બેઠાં હતાં, તે દરમિયાન ગામમાં રહેતા અણદાભાઈ ગીરધરભાઈ વાટુકીયાએ ફરિયાદીના પરિવારના કિરિટસિંહ સાથે ગામમાં રહેતા નવધણભાઈ ભરવાડ અને મહેશભાઈ વાટુકીયાની પત્નીના આડા સબંધ બાબતે ઝઘડો કરી માર મારતા હોવાની ટેલીફોનિક જાણ કરી હતી.
આથી ફરિયાદી અને તેમના કુટુંબીજનો ત્યાં પહોંચતાં મહિલાઓ સહિત અંદાજે ૧૯થી વધુ શખ્સોએ તલવાર, છરી, પાઈપ, લાકડી સહિતના હથિયારો વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં યોગીરાજસિંહને હાથે પગે, નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ યુવરાજસિંહ, અજયસિંહ ઉર્ફે વિજયસિંહ, મિતરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિત પાંચ વ્યક્તિઓને પણ પાઈપ, તલવાર, છરી, લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે સામાપક્ષે ભુપતભાઈ લાલજીભાઈ વાટુકીયાએ પણ ૧૦ શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદીના દાદાના દીકરા અણદાભાઈ વાટુકીયા સહિતનાઓ દુકાને હાજર હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા કિરિટસિંહ પરમાર દુકાન પર આવી દારૂ પીધેલી હાલતમાં માથાકુટ કરી હતી અને કિરિટસિંહ સહિત તેના દીકરા વિજયસિંહે પણ અણદાભાઈને ઝાપટો મારી હતી.
જે મામલે ફરિયાદી અને તેમના દાદાના દીકરા સહિતના પરિવારજનો ફરિયાદ નોંધાવા ગયા હતા અને ત્યાંથી પરત લીમલી પહોંચતા એક કારમાંથી સાત થી આઠ શખ્સોએ આવી એકસંપ થઈ લોખંડના પાઈપ, તલવારો સહિતના હથિયારો વડે ફરિયાદીને ડાબા પગે તેમજ હાથ પર ઘા ઝીંક્યા હતા. તેમજ યુવરાજસિંહ નામના શખ્સે ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા.
જે દરમિયાન ફરિયાદીના પરિવારની મહિલાઓ અને પરિવારજનો મનીષાબેન, સુનીલભાઈ, પ્રભુભાઈ વાટુકીયા, ભુપતભાઈ વાટુકીયા, નવધણભાઈ વાટુકીયા, હિનાબેન વાટુકીયા સહિતનાઓ આવી પહોંચતા તેમના પર પણ ધારીયા, પાઈપ અને તલવારના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદી સહિત કુલ ૭ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
જુથ અથડામણના બનાવના ૨૯ આરોપીઓ
અણદાભાઈ ગીરધરભાઈ વાટુકીયા, વિપુલભાઈ અણદાભાઈ વાટુકીયા, સંજયભાઈ અણદાભાઈ વાટુકીયા, વિષ્ણુભાઈ ગીરધરભાઈ વાટુકીયા, રાજેશભાઈ વિષ્ણુભાઈ વાટુકીયા, સુરેશભાઈ હેમુભાઈ વાટુકીયા, નવધણભાઈ હેમુભાઈ વાટુકીયા, જયેશભાઈ શંકરભાઈ વાટુકીયા, દિનેશભાઈ કાનજીભાઈ વાટુકીયા, મનીષાબેન ભુપતભાઈ વાટુકીયા, સજ્જનબેન નવધણભાઈ વાટુકીયા, વિપુલભાઈ અણદાભાઈ વાટુકીયાની પત્ની, પ્રભુભાઈ લાલજીભાઈ વાટુકીયા, ભુપતભાઈ લાલજીભાઈ વાટુકીયા, હેમુભાઈ ગીરધરભાઈ વાટુકીયા, હિનાબેન સુરેશભાઈ વાટુકીયા, પાર્વતીબેન હેમુભાઈ વાટુકીયા, કાન્તાબેન અણદાભાઈ વાટુકીયા, જોશનાબેન પ્રભુભાઈ વાટુકીયા તેમજ કિરિટસિંહ બાલુભા પરમાર, વિજયસિંહ કિરિટસિંહ, યુવરાજભાઈ, રાજુભાઈ દસુભાઈ, શંભુભાઈ, પદુભા કિરિટસિંહ પરમાર, અશોકસિંહ દસુભા પરમાર, મુન્નાસિંહ ટેમુભા પરમાર, ટીનાસિંહ ટેમુભા પરમાર અને મીતરાજસિંહ જીતુભા પરમાર (તમામ રહે.લીમલી)