પુનમે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ૧ લાખથી વધુ ભક્તો ઉમટયા
- વહેલી સવારથી ભક્તોનો દર્શન માટે ધસારો
- તળેટીનો દ્વાર સવારે ૨-૩૦ વાગ્યે ખોલાયો, વહેલી સવારે ૩-૦૦ વાગ્યે મંગળા આરતી
સુરેન્દ્રનગર : ચોટીલા યાત્રાધામ ખાતે કારતકી પુનમના દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં પદપાળા સંઘ ચોટીલા પહોંચી ગયા હતા અને ચામુંડા મતાના દર્શન કર્યા હતા. દિવાળીના તહેવારોની રજા અને નવા વર્ષની પ્રથમ કારતકી પુનમ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી અંદાજે ૧.૦૮ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા.
નવા વર્ષની પ્રથમ કારતકી પુનમને દિવસે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. દિવાળીની રજાઓનો માહોલ હોવાથી માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર સહિત બહારના રાજ્યોમાંથી પણ ભક્તોની માતાજીના દર્શને આવ્યા હતા. જ્યારે પુનમને દિવસે ભક્તોની ભીડને ધ્યાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ડુંગર પર ચડવાનો તળેટીનો મુખ્ય દ્વાર સવારે ૨-૩૦ વાગ્યે ખોલી નાખ્યો હતો. માતાજીની મંગળા આરતી વહેલી સવારે ૩-૦૦ વાગ્યે કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
કારતકી પુનમને દિવસે ચામુંડા માતાજી સમક્ષ ગર્ભગૃહમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે દુર દુરથી મોટી સંખ્યામાં પગપાળા સંઘ પણ ચોટીલા પહોંચ્યા હતા અને ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા. કારતકી પુનમને દિવસે મોડી સાંજ સુધી અંદાજે ૧.૦૮ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.