મીઠાગોઢા ગામે બે વ્યક્તિઓને લાકડીથી માર માર્યો
- જાનથી મારી નાખવાની ધમકી આપી
- ગામના જ આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના મીઠાગોઢા ગામે બે વ્યક્તિઓને અપશબ્દો બોલીને તિક્ષ્ણ હથિયારો વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ૮ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વેજલપુરમાં રહેતા ફરિયાદી કિરિટસિંહ ભોજુભા ઝાલા અમદાવાદથી વતન મીઠાગોઢા ગામે આવ્યા હતા અને સાંજના સમયે પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન ગામમાં જ રહેતા શખ્સો દ્વારા હાથમાં લાકડીઓ વડે આવી કિરિટસિંહને રોક્યા હતા અને ગામમાં રહેતા કિરિટસિંહના ભાઈઓ દ્વારા બહેન-દીકરીઓના નામ લેતા હોવાનું જણાવી અપશબ્દો બોલ્યા હતા.
તેમજ લાકડી વડે માથાના ભાગે ઘા ઝીંકતા ફરિયાદી નીચે પડી ગયા હતા. જેથી રણધીરસિંહ સિધ્ધરાજસિંહ તેમને બચાવવા વચ્ચે પડયા હતા. આથી આઠેય શખ્સોએ તેમના પર પણ લાકડી વડે ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ઝીંઝુવાડા પોલીસ મથકે મહેશભાઈ રણછોડભાઈ રબારી, મહાદેવભાઈ ભુરાભાઈ રબારી, લાલભાઈ ગોકળભાઈ રબારી, વિશાલભાઈ દેવાભાઈ રબારી, લાલાભાઈ હરદાસભાઈ રબારી, સતીષભાઈ રધુભાઈ રબારી, શંકરભાઈ વિરમભાઈ રબારી અને બેચરભાઈ ખેતાભાઈ રબારી (તમામ રહે.મીઠાગોઢા, તા.પાટડી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.