વઢવાણના મોટા મઢાદમાં ખાણખનીજ વિભાગનો દરોડો

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
વઢવાણના મોટા મઢાદમાં ખાણખનીજ વિભાગનો દરોડો 1 - image


- ફરી ગેરકાયદે ખોદકામ કરાતા તંત્ર જાગ્યું

- અગાઉ પણ દરોડો પાડી દંડ ફટકારાયો હતો, છતાંય ગેરકાયદે ખોદકામ યથાવત્ રહેતા કાર્યવાહી

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામની સીમમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે અગાઉ જે જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો તે જ જગ્યાએ ફરીવાર ખોદકામ શરૂ કરવામાં આવતા ખાણખનીજ વિભાગની ટીમે ફરી દરોડો કર્યો હતો અને મોડીસાંજ સુધી ગેરકાયદેસર ખોદકામ અંગે માપણી સહીતની કામગીરી હાથ ધરતા મોટી ખનીજ ચોરી ઝડપાય તેવી પણ શક્યતાઓ છે.

વઢવાણ તાલુકાના મોટા મઢાદ અને નાના મઢાદ ગામની સીમમાં પથ્થરોની ખાણમાં ગેરકાયદેસર બ્લાસ્ટીંગ કરી પથ્થરોનું મોટા પાયે ખોદકામ કરી ખનીજ માફીયાઓ સરકારી તીજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે .

ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી મોટા મઢાદની સીમમાં ગેરકાયદેસર તીવ્ર પ્રમાણમાં બ્લાસ્ટીંગ થતુ હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગની ટીમે મોટા મઢાદ ગામની સીમમાં દરોડો કર્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું.

અગાઉ ખાણખનીજ વિભાગ દ્વારા મોટા મઢાદ ગામની સીમમાં જે જગ્યા પર ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડી કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તે જ જગ્યાએ ફરીવાર ખોદકામ થતું હોવાની વિગતો પણ બહાર આવી છે. ખનીજ માફીયાઓ એટલી હદે બેફામ બની ગયાં છે કે અગાઉ ખોદકામ અંગેનો દંડ હજુ ભર્યો ન હોવા છતાં બિન્દાસ રીતે તે જ જગ્યાએ ફરીવાર ખોદકામ શરૂ કરી દીધું હતુ જો કે આ અંગે ખાણખનીજ વિભાગની ટીમને બાતમી મળતા દરોડો કર્યો હતો પરંતુ ખનીજ માફીયાઓ કોની રહેમનજર હેઠળ આવી રીતે ખોદકામ કરી રહ્યાં છે તે ચોક્કસ તપાસનો વિષય છે.

મોટા મઢાદ ગામની સીમમાં ગેરકાયદેસર ખોદકામ થતુ હોવાની માહિતી મળતા એક ટીમ દ્વારા સવારથી તપાસ શરૂ કરવામાં આવી હતી તેમજ બપોર બાદ બીજી ટીમ પણ તપાસમાં જોડાઇ છે કેટલી રકમની ખનીજ ચોરી કરવામાં આવી છે તે અંગે ટીમ દ્વારા માપણી સહીતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખનીજ વિભાગે જે જગ્યાએ દરોડો કર્યો હતો ત્યાં તાજા બ્લાસ્ટીંગના નિશાન મળી આવ્યા હોવાની વિગતો પણ સુત્રો પાસેથી મળી રહી છે. તેમજ અગાઉ પણ આ જ જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ બદલ દંડ કરવામાં આવ્યો હતો આથી ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા અગાઉના ખોદકામની વિગતો અને હાલના ખોદકામની વિગતો મેળવી તેના આધારે ખનીજચોરીની રકમ નક્કી કરી દંડની રકમ નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

બ્લાસ્ટીંગથી મઢાદમાં મકાનોમાં નુકસાન

ખાણોમાં પથ્થરો તોડવા માટે ખનીજ માફીયાઓ એક્સપ્લોઝીવના જોરદાર બ્લાસ્ટ કરવામાં આવે છે જેના કારણે નાના મઢાદ અને મોટા મઢાદ બન્ને ગામમાં મકાનો જાણે ભૂકંપ આવ્યો હોય તેમ ધૃ્રજી ઉઠે છે અને મકાનોમાં ભયંકર નુકસાન થાય છે ત્યારે આવા ગેરકાયદેસર બ્લાસ્ટીંગ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.


Google NewsGoogle News