રતનપર વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ
- પાલિકા તંત્રની બેદરકારીના કારણે
- એક તરફ તંત્ર દ્વારા નિયમીત પાણી પુરૂ પાડવામાં નથી આવી રહ્યું ત્યારે બીજી બાજુ પાણીનો વેડફાટ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તંત્રની અવાર-નવાર બેદરકારી સામે આવે છે ત્યારે ફરી રતનપર વિસ્તારમાં આવેલ પાલિકા હસ્તકની પાણીની ટાંકીમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમા રોષ જોવા મળ્યો હતો અને તંત્રની અણઆવડત સામે આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રતનપર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી દ્વારા આસપાસના અને રહેણાંક વિસ્તારોને પાણી પુરૂ પાડવામાં આવે છે આ પાણીની ટાંકીમાં ધોળીધજા ડેમ દ્વારા પાણી ભરવામાં આવે છે અને પાલિકા તંત્ર દ્વારા એકાંતરે પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં પાણીની ટાંકીમાં જ કોઈ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોય તેવો વિડિયો સોશ્યલ મીડીયામાં જાગૃત નાગરિકર કમલેશ કોટેચા દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને પાલિકા તંત્રની બેદરકારી સામે આવી હતી. વાયરલ વિડિયોમાં પાણીની ટાંકીના કંમ્પાઉન્ડમાં જ પાણીનો વેડફાટ થતો અને લાખો લીટર પાણી આસપાસના માર્ગો તેમજ રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું હોય તેવું જણાઈ આવ્યું હતું. હજુ થોડા દિવસો પહેલા જ જોરાવરનગર વિસ્તારમાં આવેલ પાલીકાની પાણીની ટાંકીમાંથી પણ લાખો લીટર પાણીનો વેડફાટ થતા દ્રશ્યો સામે આવ્યા હતા અને તંત્ર દ્વારા રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી રતનપર વિસ્તારમાં આવેલ ટાંકીમાંથી પાણીનો વેડફાટ થતાં પાલિકા તંત્રની બેદરકારી છતીથઈ છે. એક તરફ દિવાળીના તહેવારને ધ્યાને મહિલાઓ અને ગૃહિણીઓને પાણીની વધુ જરૂરીયાત રહે છે ત્યારે બીજી બાજુ પાલિકા તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા અમુક વિસ્તારોમાં નિયમીત અને પુરતુ પાણી આપવામાં આવતું નથી ત્યારે બીજી બાજુ પાલિકા તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે અને તાત્કાલીક પાણીનો વેડફાટ બંધ કરાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.