જોરાવરનગર પાણીની ટાંકીમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ : પાલિકાની બેદરકારી
- રોડ પર પાણી ફરી વળતા ચોમાસા જેવો માહોલ સર્જાયો
- પાણીની તંગીને લઇને એકબાજુ રહિશો આંદોલનો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ થતો પાણીનો બગાડ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ જોરાવરનગર પાણીની ટાંકીએ સાંજના સમયે પાણીનો વેડફાટ થતાં હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતાં તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોરાવરનગરના મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી વળતા શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાના છેવાડાના અનેક વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતુ હોવાની ફરીયાદો ઉઠી રહી છે અને ધોળીધજા ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરેલો હોવા છતાં તંત્રની અણઘડ નિતીને કારણે અનેક વિસ્તારમાં પુરતુ અને નિયમિત પાણી ન મળતા લોકોનાં ટોળા પાણીના પોકાર સાથે પાલિકામાં રજૂઆત માટે ધસી આવતા હોય છે. ત્યારે બીજી તરફ પાલિકા તંત્રની બેદરકારીના કારણે જોરાવરનગરમાં પાણીની ટાંકી વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડાના વોર્ડમાં જ પાણીની રેલમછેલ જોવા મળતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જેમાં જોરાવરનગર રામજી મંદિર પાસે આવેલ પાણીની ટાંકીએ સાંજના સમયે લાખો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું.
ફરજ પરના વાલ્વમેનની બેદરકારીના કારણે પાણીની ટાંકીનો વાલ્વ ખુલ્લો રહી ગયો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોરાવરનગર મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ગણપતિ ફાટસર વિસ્તારમાં પાણી મામલે સ્થાનિકોએ બાયપાસ રોડ ચક્કાજામ કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. એક તરફ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા ૧૦ હજારથી વધુ લોકોને પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે ત્યારે બીજી તરફ પાલિકા તંત્રની બેદરકારીના કારણે જોરાવરનગર પાણીની ટાંકી પરથી હજારો લીટર પાણીનો વેડફાટ થઇ જતાં પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોરાવરનગરના મુખ્ય રસ્તાઓ પણ પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી અને દિવાળીના તહેવાર ટાણે જ રસ્તા પર પાણી ફરી વળતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યું ?