લખતર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પરપ્રાંતીય શ્રમીકો ડુબતા દોડધામ
- ફાયર ફાઈટરની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ
- એક શ્રમીકનું મોત નિપજ્યું જ્યારે અન્ય શ્રમીકનો આબાદ બચાવ કરાયો
સુરેન્દ્રનગર : લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નહાવા પડેલ બે પરપ્રાંતીય શ્રમીકો ડુબ્યા હતા. જે પૈકી એક શ્રમીકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બીજા શ્રમીકના મૃતદેહને મોડીરાત્રે ભારે જહેમત બાદ શોધખોળ હાથધરી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
લખતર શહેર નજીકથી પસાર થતી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ભાઈબીજના દિવસે બે પરપ્રાંતીય શ્રમીકો નહાવા પડયા હતા. જ્યારે એક શ્રમીક બહાર ઉભો હતો જે પૈકી એક પરપ્રાંતીય શ્રમીકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બીજા શ્રમીક ડૂબી જતા અફડાતફડી મચી જવા પામી હતી.
લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું અન્ન ગોડાઉનમાં મજૂરી કામ કરતા હતા અને લખતર નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ન્હાવા ગયા હતા. જેમાં મધ્યપ્રદેશનો એક શ્રમીક દિલીપભાઈ બાદશાહસિંધ સકવાર આશરે ૩૦ વર્ષનો કેનાલમા નાહવા પડયો હતો. જે પાણીમાં ડૂબી જવાથી ગરકાવ થઈ ગયો હતો. જે ઘટનાની જાણ થતા બહાર ઉભેલા યુવકને થતાં બહાર રોડ ઉપર બુમાબુમ કરતા પસાર થતાં રાહદારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જે અંગેની જાણ સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર ફાયટર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ફાયર ફાયટરના જવાનો દ્વારા કેનાલમાં યુવકની લાશની શોધખોળ હાથ ધરી હતી.
મોડીસાંજ સુધી શ્રમીકની શોધખોળ હાથધરાઈ હતી પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો આ ઘટનાની જાણ થતાં લખતર મામલતદાર, લખતર પોલીસ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળેટોળાં કેનાલ પર ઉમટી પડયા હતા. અંદાજે ૩૬ કલાકથી વધુ જહેમત બાદ પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા બાળા પંમ્પીંગ સ્ટેશનની જાળીમાં ફસાયેલી હાલતમાં શ્રમીકની લાશ નજરે પડી હતી. જેની જાણ લખતર મામલતદારને થતાં આ મામલે નર્મદા વિભાગ તેમજ વઢવાણ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પરપ્રાંતીય શ્રમીકની લાશને જાળીમાંથી બહાર કાઢી વઢવાણ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક શ્રમીક એમપીનો હોવાનું અને સંતાનમાં પાંચ વર્ષની દિકરી અને ચાર વર્ષનો પુત્ર હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે આ બનાવથી લખતર પંથક સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.