એક પરિવારના ત્રણ વ્યક્તિની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા
- વઢવાણના ફુલગ્રામ ગામે વર્ષ 2023 નો બનાવ
- ગટરના પાઈપ મૂકવા બાબતે થયેલી તકરારમાં શખ્સે પડોશમાં રહેતા પિતા-પુત્ર અને પુત્રવધૂને ગળામાં છરીના ઘા ઝીંક્યા હતા
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ગટરના પાઈપ મુકવા બાબતે ગત તા.૬ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા પડોશીએ એક પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર મુખ્ય સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે કોર્ટે ત્રિપલ હત્યા નીપજાવનાર આરોપીને છેલ્લા શ્વાસ સુધી (આજીવન) કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.
ફુલગ્રામ ગામે રહેતા હમીરભાઈ કેહરભાઈ મેમકીયા (ઉં.વ.૭૦) પોતાના મોટા પુત્ર અને લીંબડી એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ (ઉં.વ.૩૪), પુત્રવધૂ દક્ષાબેન (ઉં.વ.૩૨) અને પૌત્રી ધુ્રવાંશી અને પૌત્ર સાહિલ સાથે રહેતા હતા.
તેમના મકાનની સામે જ ફુલગ્રામમાં છ વર્ષથી રહેવા આવેલો અગરસંગ ઉર્ફે અગો નાગજીભાઈ માત્રાણીયા પોતાની માતા સાથે રહેતો હતો. ગત ફેબુ્રઆરી-૨૦૨૩માં ભુગર્ભ ગટરના પાઈપ બાબતે બન્ને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રોષે ભરાયેલા અગરસંગે છરી વડે ઓટલા પર બેસેલા હમીરભાઈના ગળા પર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
દરમિયાન તેમનો પુત્ર ધર્મેશ અને પુત્રવધૂ દક્ષાબેન ત્યાં આવી પહોંચતા અગરસંગે તેમને પણ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. ગણતરીની મીનીટોમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિની હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થળ પર પહોંચી ઘરમાંથી જ આરોપીને છરી સાથે ઝડપી પાડયો હતો. જે મામલે સુરેન્દ્રનગર મુખ્ય સેશન્સ કોર્ટમાં તાજેતરમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને આધાર તેમજ દસ્તાવેજી પુરાવાઓના આધારે મુખ્ય સેશન્સ જજ એલ.એસ.પીરઝાદા દ્વારા ત્રિપલ હત્યા નીપજાવનાર આરોપી અગરસંગ ઉર્ફે અગો નાગજીભાઈ માત્રાણીયાને અંતિમ શ્વાસ સુધી કોઈપણ જાતની માફી વગર આજીવન સખત કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે અને રોકડ રૃા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.