જોરાવરનગર પોલીસ લોકઅપમાં ગળેફાંસો ખાઈ શખ્સની આત્મહત્યા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
જોરાવરનગર પોલીસ લોકઅપમાં ગળેફાંસો ખાઈ શખ્સની આત્મહત્યા 1 - image


- સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો 

- અરજીના આધારે પોલીસ દ્વારા દારૂ પી ધમકીના ગુનામાં અટક કરવામાં આવી હતી  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને રતનપર તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં દારૂ પીને દંગલ મચાવી પરિવારજનોને હેરાન પરેશાન કરવાના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે રતનપર ખાતે રહેતાં અનુ.જાતિના પરિવારના શખ્સ દ્વારા અવાર-નવાર દારૂ પીને ગાળો બોલી ગેરવર્તન કરતાં હોવાની જોરાવરનગર પોલીસ મથકે લેખીત અરજી બાદ પોલીસે અટકાયત કરેલી શખ્સનું લોકઅપમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં મોત નીપજ્યું હતું. જે અંગે જોરાવરનગર મહિલા પી.એસ.આઈ. સહિતના સ્ટાફ સામે અનેક સવાલો ઉભા થયા છે.

રતનપર વાલ્મીકી વાસમાં રહેતાં અનુ.જાતિના વિશાલભાઈ પાટડીયાના પિતા ગેલાભાઈ ટપુભાઈ પાટડીયા ઉ.વ.અંદાજે ૪૩વાળા અવારનવાર ઘરે આવીને ગાળો બોલતા હતા અને પરિવારજનોને સળગાવી દેવાની ધમકી આપતા હતાં જે અંગે અનેક વખત સમજાવવા છતાં ન માનતા આ મામલે જોરાવરનગર પોલીસ મથકે ઈલાબેન પાટડીયાએ લેખીત અરજી કરી હતી. જેના ભાગરૂપે જોરાવરનગર પોલીસ દ્વારા શખ્સની અટકાયત કરી લોકઅપમાં પુરી દેવામાં આવ્યા હતાં. તે દરમ્યાન લોકઅપની અંદર આવેલ બાથરૂમમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં શખ્સ ગેલાભાઈની લાશ ફરજ પરના પીએસઓને મળી આવી હતી અને આ અંગે જોરાવરનગર પીએસઆઈ સહિતના સ્ટાફને જાણ કરતાં લાશનો કબ્જો લઈ પી.એમ.અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

આ બનાવની જાણ થતાં ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી સહિત એલ.સી.બી., પી.આઈ., વી.વી.ત્રિવેદી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં લોકઅપમાં રહેલી ગોદડાની એક સાઈડની પટ્ટી વડે ગળેફાંસો ખાધો હોવાની જણાઈ આવ્યું હતું જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથઘરી છે. જોરાવરનગર પોલીસ લોકઅપમાં સામાન્ય અરજીના આધારે અટક કરેલ શખ્સે લોકઅપમાં ગળેફાંસો ખાઈ લેતાં મૃતકના પરિવારજનોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું અને આત્મહત્યા કરવા પાછળનું કારણ અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી ત્યારે બીજી બાજુ જોરાવરનગર પોલીસ છેલ્લા ઘણા સમયથી વિવાદોથી ઘેરાયેલી છે  ત્યારે ફરી એકવાર લોકઅપમાં શખ્સે આત્મહત્યા કરતાં આ બનાવ ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો અને પરિવારજનો દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠી હતી.


Google NewsGoogle News