ડાકવડલામાં વ્યક્તિ પર છરી અને લાકડાના ધોકાથી હુમલો
- ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
- અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખીને હુમલો કર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ડાકવડલા ગામે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી એક શખ્સને છરી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડયાની નાની મોલડી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડાકવડલા ગામે રહેતા ફરિયાદી ધુધાભાઈ મોતીભાઈ ગીગૈયા બાઈક લઈને ગામમાં આવેલા રામજી મંદિરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતો રવિભાઈ બાબભાઈ વિકમા પોતાના ઘર બહાર બેઠો હતો અને ફરિયાદીને અહીંથી નહીં નીકળવાનું જણાવી કાંઠલો પકડયો હતો.
તે દરમિયાન દિલીપભાઈ બાબભાઈ વિકમા એન બાબભાઈ નાથાભાઈ વિકમા પણ આવી પહોંચતા ફરિયાદીને છરી વડે એક ઘા ઝીંક્યો હતો. તેમજ હાથ પર લાકડાનો ધોકો માર્યો હતો અને વધુ માર મારી અપશબ્દો બોલી નાસી છુટયા હતા.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે કુવાડવા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે રવિભાઈ વિકમા, દિલીપભાઈ વિકમા અને બાબભાઈ વિકમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ગામમાં રહેતા બાબુભાઈ ટપુભાઈ ગીડાને બાબભાઈ નાથાભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બાબુભાઈ ફરિયાદી સાથે બેઠા હતા તે બાબતનો વહેમ રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.