ધ્રાંગધ્રાના નારીચાણા ગામમાં લાઇટ બંધ કરવા મુદ્દે શખ્સ પર હુમલો
- ડમ્પરની લાઇટ કેમ બંધ નથી કરતો તેમ કહીને મારમાર્યો
- યુવાનને જાતિ અપમાનિત કરી મારી નાંખવાની ધમકી આપી : બે સામે ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે ડમ્પર પાર્ક કરી રહેલા યુવાનને લાઇટ કેમ બંધ નથી કરતો તેમ કહી બે શખ્સોએ ઝઘડો કર્યો હતો. આરોપીઓએ ડમ્પર ચાલકના ભાઇને માથાના ભાગે ટ્રેક્ટરની રાંપ મારી ઇજાઓ પહોંચાડી જાતિ અપમાનિત કર્યા હતા.ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે રહેતા ડમ્પર ચલાવતા કાનજીભાઇ ગણેશભાઇ રાઠોડ ડમ્પર પાર્ક કરી રહ્યાં હતાં. તે દરમિયાન સામેથી ટ્રેક્ટર લઇ આવતા અરવિંદભાઇ વશરામભાઇ રાઠોડ અને જીવાભાઇ ભગવાનભાઇ કાસેલ ડમ્પરની લાઇટ કેમ બંધ નથી કરતો તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતાં.
દરમિયાન કાનજીભાઇના ભાઇ મહેશભાઇ ત્યાં આવી ઝઘડો નહી કરવાનું કહેતા અરવિંદભાઇએ ટ્રેક્ટરની રાંપ મારતા મહેશભાઇને માથના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. બંને શખ્સોએ મહેશભાઇને જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહેશભાઇએ બંને શખ્સો વિરૃધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસની હાથ ધરી છે.