મહાલક્ષ્મી એવન્યુ કોમ્પલેક્ષની નેવાળીમાં ગેરકાયદેસર દબાણ અંગે રજુઆત કરાઈ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
મહાલક્ષ્મી એવન્યુ કોમ્પલેક્ષની નેવાળીમાં ગેરકાયદેસર દબાણ અંગે રજુઆત કરાઈ 1 - image


- સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ 

- બાજુના કોમ્પલેક્ષના દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે ધાબુ અને દિવાલ કરી નેવાળી બંધ કરી દેતા હાલાકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ એક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર આવેલ નેવાળી (ખંચાળી)માં બાજુમાં આવેલ કોમ્પલેક્ષના દુકાનદારોએ ગેરકાયદેસર ધાબુ અને દિવાલ કરી નેવાળી બંધ કરી દેતા કોમ્પલેક્ષના દુકાનદારોએ પાલિકા તંત્રને લેખીત રજુઆત કરી હતી અને ગેરકાયદેસર દબાણ દુર કરવાની માંગ કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ મહાલક્ષ્મી એવન્યુ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર તેમજ તેની બાજુમાં આવેલ નવકાર કોમર્શીયલ કોમ્પલેક્ષની વચ્ચે બન્ને કોમ્પલેક્ષના દુકાનદારો માટે નેવાળી રાખવામાં આવી છે જેનો બન્ને કોમ્પલેક્ષના દુકાનમાલીકો નિયમ મુજબ ઉપયોગ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બાજુના નવકાર કોમ્પલેક્ષમાં રાધીકા જ્વેલર્સની દુકાનના માલીક ભરતભાઈ અને અશોકભાઈ તેમજ એસ.એન.જ્વેલર્સના ગીરીશભાઈ રાણપુરા સહિતનાઓ દ્વારા એકસંપ થઈ નેવાળીમાં લોખંડની ગ્રીલો નાંખીને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેમજ નેવાળી ઉપર ભરેલ ધાબુ પણ દુર કર્યું છે અને તેની આડી દિવાલ હજુ જેમની તેમ જ રાખવામાં આવી છે જેના કારણે મહાલક્ષ્મી એવન્યુ કોમ્પલેક્ષના દુકાનમાલીકોને હાલાકી પડી રહી છે અને બાજુના કોમ્પલેક્ષના દુકાનદારો દ્વારા પ્લાન સીવાયનું વધારાનું પણ બાંધકામ ભોયરૂ ખોદી અંડરગ્રાઉન્ડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આવા બાંધકામના કારણે અન્ય દુકાનમાલીકોના જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. આથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણ દુર કરવા મહાલક્ષ્મી એવન્યુ કોમ્પલેક્ષના દુકાનમાલીકો જગદીશભાઈ મીર, હર્ષદભાઈ પરમાર, હક શુકલ, જૈમીનભાઈ શાહ, ગોવિંદભાઈ મહેતા સહિતનાઓએ પાલીકાના ચીફ ઓફીસર તેમજ પાલિકા પ્રમુખને લેખીત રજુઆત કરી હતી.



Google NewsGoogle News