Get The App

લખતરના ઓળક ગામમાં ચારથી વધુ મકાનના તાળા તૂટયાં

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
લખતરના ઓળક ગામમાં ચારથી વધુ મકાનના તાળા તૂટયાં 1 - image


- શિયાળાના પ્રારંભે જ તસ્કરોનો તરખાટ

- 60 હજારથી વધુની ચોરી : સાતથી આઠ શખ્સો છરી, ધારિયા સાથે આવ્યા : મકાન માલિકે પીછો કરતા પથ્થરમારો કરી તસ્કરો પલાયન

સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં ઠંડીનો ચકારો થતાંની સાથે જ લખતર તાલુકામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોની ટોળકી દ્વારા એક સાથે ચાર થી વધુ મકાનોના તાળા તોડી ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે.

લખતરના ઓળક ગામે મોડીરાત્રે તસ્કરો દ્વારા ચારથી વધુ મકાનોના તાળા તોડી ફરાર થઇ ગયા હતા.  ચંચીબેન જીવણભાઇ માલકીયા પરિવારજનો સાથે કૌટુંમ્બીક ભાઈનું મરણ થયું હોવાથી ત્યાં ગયા હતા તે દરમ્યાન તેમના બંધ મકાનનુ તાળુ તોડી ઘરમાં રહેલ કબાટમાંથી રૃા.૬૦,૦૦૦ રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કરણભાઇ કાળુભાઇ ઓળકીયાની ઘંટીના તાળા તોડી ગલ્લામા રહેલી પરચુરણની ચોરી કરવામાં આવી હતી. જ્યારે ચાર જગ્યાઓમાંથી અન્ય બીજા બે ચંદુભાઇ નારણભાઇ ઓળકીયા તથા મુનાભાઇ ભાવાભાઇ મળતોલીયાના મકાનોનાં તસ્કરો દ્વારા માત્ર તાળા તોડયા હતા. જેમાં મજેઠીયા મહેશભાઇ વેલશીભાઇના મકાનમાં તાળુ તોડી ચોરો ઘરમાં પ્રવેશ કરતા ઘરના સભ્યો જાગી જતાં ચોરો ચોરી કર્યા વગર નાસી છૂટયા હતા. જેમાં મકાન માલિક ચોરોના પાછળ થતા ચોરો દ્વારા મકાનમાલિક પર પથ્થરમારો કરી નાશી છૂટવામાં સફળ થયા હતા. 

જ્યારે સ્થાનીકો અને મકાન માલીકના જણાવ્યા મુજબ ચોરી કરવા આવેલ સાત થી આઠ શખ્સો હતા અને તેમની પાસે છરી, ધારીયા જેવા તીક્ષણ હથિયારો હોવાનું સામે આવ્યું હતું અને બાઈક લઈને ચોરીને અંજામ આપવા આવ્યા હતા. આમ શિયાળાના પ્રારંભે જ લખતરના ઓળક ગામમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવતા ગ્રામજનોમાં ભયનો માહોલો જોવા મળ્યો છે અને આ અંગે લખતર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળેઆવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.


Google NewsGoogle News