રાણપુરના આનંદ કોમ્પલેક્સમાં એક સાથે 6 દુકાનોના તાળા તૂટયા

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
રાણપુરના આનંદ કોમ્પલેક્સમાં એક સાથે 6 દુકાનોના તાળા તૂટયા 1 - image


- સોમવારે મોડી રાતે તસ્કરો હાથ ફેરો કરી પલાયન

- રૂા. 75 હજારની રોકડ- માલસામાનની ચોરી થયાનો અંદાજ : સીસીટીવી પણ તોડી નાખ્યા

રાણપુર : રાણપુરમાં પુલ પાસે આવેલા આનંદ કોમ્પલેક્સમાં એક સાથે ૬ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. છ દૂકાનોના તાળા તોડી અંદાજે ૭૫ હજાર રૂપિયા જેટલી રોકડ અને મુદ્દામાલની ચોરી કરી તસ્કરો રફૂચક્કર થઈ ગયા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. દુકાનના માલિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવા સાથે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાણપુરમાં મુખ્ય માર્ગ પર પુલ પાસે આવેલા આનંદ કોમ્પલેક્ષમાં આવેલી ૬ દુકાનોમાં ગઈકાલ મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી હાથફેરો કર્યો હતો. જેમાં વીડી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી અંદાજે ૫૧ હજાર રૂપિયા, ઓઇલનો હિસાબ અને ગલ્લામાં રાખેલી અંદાજે ૪થી ૫ હજાર રૂપિયાની સિલ્લક ચોરાયા હતા. 

એક મોનિટર અને ત્રણ સીસીટીવી કેમેરા તોડી નાખવા સાથે ડીવીઆર પણ લઈ ગયા હતા. યસ ઓટો ગેરેજમાંથી કાઉન્ટરમાં રાખેલા અંદાજે ૧૯,૦૦૦ રૂપિયાનો મોબાઇલ, એક લિટલના ત્રણ ઓઇલના ડબ્બા ચોરી ગયા હતા. હિંગળાજ ઓટોમાંથી અંદાજે ૧૫૦૦ રૂપિયા અને ટેમ્પાની બે ચેનઇ ઉઠાવી હતી. સ્ટાર કલર પોઈન્ટ નામની દુકાનમાંથી સીસીટીવી કેમેરાને નુકસાન કરવામાં આવ્યું હતું. આમ એક સાથે ૬ દુકાનોના તાળા તોડી તસ્કરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. દુકાન માલિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ આવી પહોંચી હતી. થોડા દિવસો પહેલા ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ડોક્ટર ધારાબેનને ત્યાં પણ રાતના સમયે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ તો એવું લાગી રહ્યું છે કે તસ્કરો બેફામ બની ચોરીઓને અંજામ આપી રહ્યા છે. 


Google NewsGoogle News