ભોગાવો નદીમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ઠાલવતા ત્રણ શખ્સને સ્થાનિકોએ ઝડપ્યા
- જોરાવરનગર પાસે લોકોએ વોચ ગોઠવી
- સ્ટ્રેચરમાં લવાયેલો મેડિકલ વેસ્ટ નજીકની હોસ્પિટલનો હોવાની આશંકા : શખ્સોના ફોટા-વીડિયો વાયરલ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીમાં શંકાસ્પદ મેડિકલ વેસ્ટનો જથ્થો ઠાલવતા ત્રણ શખ્સોને સ્થાનિકોએ ઝડપી પાડયા હતા. સ્થાનિક લોકોએ મેડિકલ વેસ્ટ ઠાલવતા લોકોની પુછપરછ કરતાં કોઇ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહતા. આ ઘટનાના વીડિયો અને તસવીરો વોટ્સએપ ગુ્રપમાં ફરી રહ્યાં છે તેમ છતા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઈન્ચાર્જ અધિકારીને ઘટનાની કોઇ જાણ નથી.
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદી સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત બની છે. ાલિકા તંત્ર દ્વારા ગંદા પાણીનો નિકાલ તેમજ કેટલાક ઔદ્યોગીક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા ભોગાવો નદી છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત બની ચુકી છે. ત્યારે જોરાવરનગર પાસેથી પસાર થતી ભોગાવો નદીમાં કેટલાક શખ્સો દ્વારા મોડી રાત્રે નદીમાં મેડિકલ વેસ્ટ કે અન્ય કોઈ નુકસાનકારક જથ્થો બહારથી લાવી ફેંકવામાં આવતો હોવાનું સ્થાનિક રહિશોને જણાવા મળતે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન મોડી રાત્રે સ્થાનિકોએ ત્રણ અજાણ્યા શખ્સોને મેડિકલ વેસ્ટ સહિતના નુકસાનકારક જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. નદીમાં મેડિકલ વેસ્ટ ઠલાવવા આવેલા લોકો સ્ટ્રેચર લઇને આવ્યા હતા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ મેડિકલ વેસ્ટ આસપાસ આવેલા કોઇ હોસ્પિટલનો હશે. જોકે, આ ઘટના અંગે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ આ ઘટનાના વીડિયો અને આરોપીઓની તસવીરો વાયરલ થઇ છે. જેમાં આરોપીઓના ચહેરા સ્પષ્ટ જોઇ શકાય છે ત્યારે આ ફોટાના આધારે પોલીસ આરોપી સામે કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું. આ મામલે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોએ માગ કરી છે.
જીપીસીબના ઈન્ચાર્જ અધિકારી ઘટનાથી અજાણ
ભોગાવો નદીમાં મેડિકલ વેસ્ટ નદીમાં ઠલાવતા હોવાના વીડિયો વાયરલ થયા છે. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બન્યો હોવા છતાં તેને લઇ જિલ્લા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અજાણ છે. જિલ્લા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઈન્ચાર્જ અને જવાબદાર અધિકારી અલ્કેશ રાઠોડનો ટેલિફોનીક સંપર્ક કરતા મેડિકલ વેસ્ટ મામલે હજુ સુધી કચેરી સુધી કોઈપણ જાતની ફરિયાદ કે લેખીત રજુઆત આવી નથી તેમ જણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે આ પ્રકારનો કોઈ મામલો બહાર આવશે તો તેની સામે તટસ્થ તપાસ કરી દોષિત જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.