Get The App

ગટરના પાણીના તળાવમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ગટરના પાણીના તળાવમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર 1 - image


- વઢવાણના અબોલપીર ચોક વિસ્તારમાં 

- તંત્ર રોગચાળો ફેલાવાની રાહ જોતું હોવાના આક્ષેપ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વઢવાણ વિસ્તારમાં આવેલા વોર્ડ નં.૧૩ના અબોલપીર ચોક સહિત આસપાસના વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા સ્થાનિક રહિશોને હાલાકી પડી રહી છે. જે અંગે રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવતો ના હોવાથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. 

વઢવાણના વોર્ડ નં.૧૩ના અબોલ પીર ચોક સહિત આસપાસના વિસ્તારોમાં અનેક પરિવારો વસવાટ કરે છે. ત્યારે આ વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારીના કારણે ગટરોના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે.

 જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ વિસ્તાર સાથે પાલિકા તંત્રના સત્તાધીશો ઓરમાયું વર્તન કરતાં હોવાના આક્ષેપો ઉઠયા છે. વર્ષો જૂની ગટરોનું લેવલ સરખું ન હોવાથી અનેક જગ્યાએ ગટરોના પાણી ફેલાતા રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે. રાજકીય આગેવાનો માત્ર મત માંગવા જ આ વિસ્તારમાં દેખાતા હોવાની અને ત્યારબાદ સ્થાનિક રહિશોની રજૂઆતો અંગે કોઈ જ ગંભીરતા ન દાખવતા હોવાનો રોષ સ્થાનીક રહિશોએ ઠાલવ્યો હતો.

 આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાય તે પહેલા ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તેમજ નવી ગટરો બનાવવામાં આવે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.



Google NewsGoogle News