પાટડી તાલુકામાં બે કારમાંથી 5.85 લાખનો દારૃ ઝડપાયો
- રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા
- 22.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એસએમસીએ 10 સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : પાટડી તાલુકામાંથી પસાર થતાં હાઈવે પરથી ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલે બે કારમાંથી રૃ.૫.૮૫ લાખના ઈંગ્લીશ દારૃના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે રૃ.૨૨.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
ગાંધીનગર એસએમસી ટીમે પાટડી તાલુકામાંથી પસાર થતાં હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દસાડાથી પાટડી તરફ જતા હાઈવે પર આવેલી હોટલ તેમજ પાટડીથી માલવણ ચોકડી તરફ જતા રસ્તા પર આવેલા પંપ પાસેથી અલગ-અલગ બે કારમાંથી ઈંગ્લીશ દારૃની ૨,૬૮૬ બોટલો કિંમત રૃા.૫.૮૫ લાખના જથ્થા સાથે કારચાલક ભજનલાલ આસુરામ બિસ્નોઈ (રહે. રાજસ્થાન) અને ક્લીનર પપ્પુરામ જગારામ ખીલેરી (બિસ્નોઈ) (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડયા હતા.
એસએમસીએ દારૃનો જથ્થો, બે કાર, બે મોબાઈલ, રોકડ સહિત કુલ રૃા.૨૨.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં વધુ આઠ શખ્સોના નામ ખુલ્યા હતા. જેથી એસએમસીએ કારમાં દારૃનો જથ્થો મોકલનાર વસંત રબારી (રહે. દાતા, સાંચોર), બીજી કારમાં દારૃ મોકલનાર, દારૃ માલવણ ચોકડી ખાતે મંગાવનાર, દારૃ ભરેલી કારમાંથી નાસી છુટેલો ડ્રાઈવર, બીજી કારમાંથી નાસી છુટેલો હેલ્પર, બીજી કારમાં દારૃનો જથ્થો મંગાવનાર અને બંને કારના માલિક સહિત ૧૦ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટડી તાલુકામાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી અંગે એક મહિનામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ત્રણથી ચાર વખત દરોડો કરતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. તેમજ પોલીસની રહેમ નજર હેઠળ રાજસ્થાનથી સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યું હોવાના આક્ષેપો ઉઠયા છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસની માંગ ઉઠી છે.