Get The App

ટ્રકમાં દવાની આડમાં સંતાડેલો 19.18 લાખનો દારૂનો ઝડપાયો

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
ટ્રકમાં દવાની આડમાં સંતાડેલો 19.18 લાખનો દારૂનો ઝડપાયો 1 - image


- ટોકરાળા ગામ નજીક હોટલના પાર્કિંગમાંથી 

- બિનવારસી ટ્રક સહિત 1.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો : સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીનો દરોડો

લીંબડી,સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર લીંબડીના ટોકરાળા ગામ નજીક આવેલી હોટલના પાર્કિગમાં રહેલા ટ્રકમાંથી દવાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીને એલસીબી પોલીસ ટીમે ઝડપી પાડી હતી. ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩,૭૯૬ બોટલો, ટ્રક તેમજ દવાના જથ્થા સહીત કુલ રૂા.૧.૧૮ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.

લીંબડી હાઇવે પર ટોકરાળા ગામ નજીક આવેલી રાધિકા હોટલના પાર્કિગમાં રહેલા બંધ બોડીના ટ્રકમાં મેડિકલ દવાઓના બોક્ષની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પોલીસને મળી હતી.

જેના આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો અને હોટલના પાર્કિગમાં રહેલી બંધ બોડીની ટ્રકની તલાશી લેતા ટ્રકમાં દવાઓના બોક્ષની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩,૭૯૬ બોટલો મળી આવી હતી. 

આથી પોલીસે કુલ રૂા.૧૯,૧૮,૪૦૦ની કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂા.૮૪,૩૯,૩૩૧ની કિંમતનો દવાઓનો જથ્થો તથા ટ્રક સહીત કુલ રૂા.૧,૧૮,૫૭,૭૩૧નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ટ્રકનો ચાલક કે ક્લીનર કોઇ હાજર મળી આવ્યા ન હતા.

 આથી તમામ મુદ્દામાલ કબજે કરી પાણશીણા પોલીસ મથકે સોંપી ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસ ટીમ દ્વારા આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.


Google NewsGoogle News