લીંબડી બેઠકની આજે રસાકસીભરી ચૂંટણી
- આજે પ્રતિષ્ઠાભર્યા જંગમાં મતદારો 14 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે
- કુલ 420 મતદાન મથકો પૈકી 276 મથકો સંવેદનશીલ જાહેર કરાયા : વહીવટી તંત્ર મતદાન મથકો પર માસ્ક, સેનિટાઇઝર, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે : લીંબડી સહિત જિલ્લામાં ભારે ઉત્તેજના
સુરેન્દ્રનગર, તા.02 નવેમ્બર 2020, સોમવાર
લીંબડી વિધાનસભાની પેટા ચુંટણી જાહેર થઈ ત્યારથી જ આ બેઠક પર રસાકસી જોવા મળી રહી છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને ધ્યાને લઈ અંતઘડી સુધી અસમંજસ જોવા મળી હતી અને અંતે ભાજપ દ્વારા લીંબડી પેટા ચુંટણી માટે કિરિટસિંહ રાણા તેમજ કોંગ્રેસ દ્વારા ચેતન ખાચરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે આજે સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ૮ બેઠકો ઉપર પેટા ચુંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેમાં લીંબડી વિધાનસભા બેઠક પર પણ આજે સવારથી મતદાન શરૂ થશે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે રાજીનામું આપી દેતાં આ બેઠક ખાલી પડી હતી જેના પર ચુંટણી પંચ દ્વારા પેટા ચુંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે રાજ્યની તમામ ૮ બેઠકો પરની પેટા ચુંટણીમાં સૌથી વધુ રસાકસી આ બેઠક પર જોવા મળી રહી છે જ્યારથી ચુંટણી જાહેર થઈ ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીને ધ્યાને લઈ અસમંજસ જોવા મળી હતી અને અંતિમ દિવસો સુધી ક્યા ઉમેદવારને ટિકિટ આપવી તે નક્કી થયું નહોતું અને અંતીમ દિવસોમાં ભાજપ દ્વારા પેટા ચુંટણી માટે સતત ૮મી વખત કિરિટસિંહ રાણાને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા યુવા અને શિક્ષિત એવા ચેતન ખાચરને ટિકિટ આપી ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત અન્ય ૧૨ જેટલાં અપક્ષ ઉમેદવારોએ પણ ચુંટણી મેદાનમાં જંપલાવ્યું છે અને કુલ ૧૪ ઉમેદવારો વચ્ચે આજે ચુંટણી જંગ ખેલાશે જેમાં સોમાભાઈ પટેલના રાજીનામાને ધ્યાને લઈ કોળ સમાજ ક્યા પક્ષને અને કેટલા મતો આપે છે તેના પર ચુંટણી પરિણામની અસર જોવા મળે તેમ લાગી રહ્યું છે જ્યારે અંતિમ દિવસે સોમાભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરી કોળી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવી ભાજપ તરફી મતદાન કરવાનું વાયરલ વિડીયોમાં જણાવતાં તેની અસર પણ આ બેઠક પર પડી શકે છે.
જ્યારે બંન્ને પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ જોરશોરથી ચુંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં આવતાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગામોમાં લોકસંપર્ક, બાઈક રેલી, જાહેર સભા ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને પ્રદેશકક્ષાના રાજકીય નેતાઓ તેમજ આગેવાનોએ પણ ચુંટણી પ્રચાર કરી પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું હતું. આમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા લીંબડી પેટા ચુંટણી માટે ચુંટણી પ્રચાર જોરશોરથી હાથધર્યો હતો અને પ્રચાર પડઘમ શાંત થઈ ગયા બાદ પણ બંધ બારણે ખાનગી બેઠકો યોજી મતદારોને મનાવવાના અને પોતાની તરફેણમાં મતદાન કરવા આહવાન કર્યું હતું. ત્યારે લીંબડી બેઠક પર ભારે રસાકસી બાદ આજે મતદાન થવાં જઈ રહ્યું છે અને સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન હાથધરવામાં આવશે.
લીંબડી વિધાનસભાની પેટા ચુંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોરોના મહામારી વચ્ચે યોજાતી આ પેટા ચુંટણી માટે જિલ્લા કલેકટર અને મુખ્ય ચુંટણી અધિકારી કે.રાજેશના માર્ગદર્શન હેઠળ તમામ મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મતદાન મથકોના અધિકારીઓ અને કર્મચારીઓ માટે માસ્ક, સેનેટાઈઝર, થર્મલ સ્કેનીંગ તેમજ મતદારો માટે અલગ-અલગ ત્રણ લાઈનો પુરૂષ, મહિલા અને શારીરિક વિકલાંગ, પ્રસુતા મહિલાઓ, વૃધ્ધો માટે સોશ્યલ ડિસ્ટન્સ સાથે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોનાના દર્દીઓ ગાઇડલાઇનનું પાલન કરી મત આપી શકશે
લીંબડી વિધાનસભાની પેટા ચુંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને કોરોના મહામારી દરમ્યાન આ ચુંટણી યોજાઈ રહી છે ત્યારે કોરોના પોઝીટીવ આવેલ અને હોમઆઈસોલેશન કરેલ અંદાજે ૧૬ જેટલાં કોરોના પોઝીટીવ દર્દીઓ માટે વહિવટી તંત્ર દ્વારા મતદાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલ લોકોનું સ્કેનીંગ, આરોગ્ય ચકાસણી કર્યા બાદ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે નક્કી કરેલ સમયે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
પેટાચૂંટણીમાં કુલ કેટલા મતદારો ?
ઉંમર |
પુરૂષ |
મહિલા |
અન્ય |
કુલ |
18 - 19 |
3,950 |
1,635 |
00 |
5,585 |
20 - 29 |
36,676 |
28,301 |
02 |
64,979 |
30 - 39 |
36,441 |
32,093 |
02 |
68,535 |
40 - 49 |
27,112 |
25,082 |
00 |
52,194 |
50 - 59 |
19,613 |
18,777 |
00 |
38,390 |
60 - 69 |
11,834 |
11,911 |
00 |
23,745 |
70 - 79 |
5,882 |
7,422 |
00 |
13,304 |
80 - 89 |
1,702 |
2,466 |
00 |
4,168 |
90 - 99 |
219 |
476 |
00 |
695 |
કુલ |
1,43,450 |
1,28,188 |
04 |
2,71,642 |
પેટાચૂંટણી નિમિત્તે આજે
લીંબડી મતદાર વિભાગમાં સરકારી કચેરીઓ, ધંધા- રોજગાર, દુકાનો બંધ
તંત્રએ જાહેરનામું બહાર પાડયું : લીંબડી ઉપરાંત ચુડા- સાયલામાં પણ અમલ કરવાનો રહેશે
સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાના જણાવ્યા અનુસાર લીંબડી વિધાનસભા મત વિભાગની પેટા ચુંટણી અન્વયે તા.૦૩-૧૧-૨૦૨૦ને મંગળવારના રોજ પોલીંગ દિવસ જાહેર થયેલ હોય નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટસ એક્ટ-૧૮૮૧ અંતર્ગત લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ગુજરાત સરકારની સરકારી કચેરીઓ, બોર્ડ અને નિગમોમાં પોલીંગ દિવસને જાહેર રજા તરીકે જાહેર કરેલ છે.
જેની સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ લીંબડી, સાયલા, તથા ચુડા તાલુકાની તમામ સબંધિત કચેરીઓએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે યોજાનાર પેટા ચુંટણીમાં મતદાનને દિવસે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નિયમ મુજબ રજા જાહેર કરવા પણ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે અને આ રજાનું વ્યક્તિના વેતનમાંથી કોઈપણ કપાત કે સુધારો કરવાનો રહેશે નહિં. મતદાન વિભાગમાં આવતી તમામ સંસ્થાઓ, દુકાનો મતદાનને દિવસે આજે બંધ રહેશે અને આ જાહેરનામાનું લીંબડી, ચુડા અને સાયલા તાલુકામાં અમલ થશે.
સાયલા સરકારી હૉસ્પિટલના કમ્પાઉન્ડમાંથી
કોંગ્રેસનું સ્ટિકર લગાવેલી કારમાંથી દારૂ ભરેલી સાત પેટીઓ પકડાઈ
પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી : લીંબડી ડીવાયએસપીએ કોલ રેકોર્ડમાં સાયલા શહેર પ્રમુખ અને કાર્યકરોના નામ બહાર આવ્યાનું કહેતા ગરમાવો
લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે પેટા ચુંટણીની પૂર્વ સંધ્યાએ સાયલા ખાતે સરકારી દવાખાનાના કંમ્પાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો અને જે કારમાંથી દારૂ ઝડપાયો તે કાર પર કોંગ્રેસના સ્ટીકર લગાવેલા હોય મતદારોને રીઝવવા ઈંગ્લીશ દારૂનો જથ્થો મગાવ્યો હોવાની ચર્ચાઓએ જોર પક્ડયુ હતું અને આ મામલે સાયલા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીને ધ્યાને લઈ શરૂઆતથી જ રસાકસી જોવા મળી રહી છે અને આ બેઠક પર જીત મેળવવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામ, દામ, દંડ, ભેદ સહિતની તમામ નિતિઓ અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મતદારોને બંધ બારણે રૂપિયા, દારૂ, પાર્ટીઓ સહિતની લોભામણી લાલચો આપી પોતાની તરફેણમાં મતદાન કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે ત્યારે પેટા ચુંટણીના પૂર્વ સંધ્યાએ સાયલા ખાતે આવેલ સરકારી હોસ્પીટલના કંમ્પાઉન્ડમાંથી પોલીસે બાતમીના આધારે ચેકીંગ હાથધરી ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૭ જેમાં ચપલા નંગ-૩૩૪ કિંમત રૂા.૩૩,૪૦૦ તથા કાર કિંમત રૂા.૨,૦૦,૦૦૦, બાઈક કિંમત રૂા.૨૫,૦૦૦, રોકડ રૂા.૧૮,૯૫૦, મોબાઈલ ફોન નંગ-૪ કિંમત રૂા.૨૨,૦૦૦ સહિત કુલ રૂા.૨,૯૭,૩૫૦ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો (૧) ચાપરાજભાઈ બાબભાઈ ખવડ રહે.સેજકપર તા.સાયલા (૨) રણજીતભાઈ હેમુભાઈ ગોહિલ રહે.સાયલા તથા (૩) નટુભાઈ હરિભાઈ ચૌહાણ રહે.સાયલાવાળાને ઝડપી પાડયાં હતાં. જ્યારે ઝડપાયેલ કારના કાચ પર કોંગ્રેસના પંજાના સ્ટીકર હોવાથી તેમજ આ કાર ઝડપાયેલ શખ્સો પૈકી નટુભાઈ ચૌહાણ જેઓ સાયલા ગ્રામ પંચાયતના સદ્દસ્યો હોવાની ચર્ચાઓએ જોર પક્ડયું હતું.
તેમજ લોકમુખે થતી ચર્ચા મુજબ મતદારોને રીઝવવા અને ઈંગ્લીશ દારૂ સહિતની લાલચ આપવા ચુંટણીની પૂર્વ સંધ્યાએ આ દારૂનો જથ્થો પુરો પાડવા મંગાવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ આ મામલે વધુ તપાસ કરવામાં આવે તો અનેક રાજકીય હોદ્દેદારો અને આગેવાનો સહિતનાઓના નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જ્યારે આ મામલે મોડીસાંજે લીંબડી ડીવાયએસપી ચેતનભાઈ મુંધવા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને તેમના જણાવ્યા મુજબ આ મામલામાં પેટા ચુંટણીના કોંગ્રેસના ઉમેદવારના ભાઈ તેમજ સાયલા શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકરોના નામો કોલ રેકોર્ડના આધારે બહાર આવ્યાં છે અને અંદાજે ૧૨ થી ૧૫ લોકો સામે કડક કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે.