લીંબડી તાલુકામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નોંધાયો
- જિલ્લામાં ચાર-પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન
- ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં અડધો ઈંચ તેમજ અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલુ વર્ષે અનિયમીત અને અપુરતો વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે ચાર-પાંચ દિવસના વિરામ બાદ ફરી જિલ્લામાં ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદનું આગમન થતાં એકંદરે ખેડુતોને ફાયદો થયો છે. તેમજ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે જેમાં ગત તા.૦૨ ઓગષ્ટના રોજ જીલ્લાના દસાડા તાલુકામાં અંદાજે અડધો ઈંચ જેટલો ધીમીધારે વરસાદ વરસ્યો હતો અને બીજે દિવસે પણ સવારથી વરસાદી માહોલ છવાયો હતો.
જેમાં ગઈકાલે તા.૦૩ ઓગષ્ટના રોજ સવારથી વાદળછાયા છાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સવારના ૬-૦૦ વાગ્યાથી સાંજ સુધીમાં જીલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ લીંબડી તાલુકામાં ૪ કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં પણ અંદાજે અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ત્યારે જીલ્લાના અન્ય તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન સવારથી વરસાદી વાતાવરણ રહેતા લોકો સહિત નાના ભુલકાઓ વરસાદની મજા માણતા નજરે પડયા હતા જ્યારે ચાર થી પાંચ દિવસના વિરામ બાદ જીલ્લામાં ફરી વરસાદ નોંધાતા ખેડુતોએ મહામહેનતે કરેલ કપાસ, મગફળી સહિતના પાકોને ફાયદો થયો હતો તેમજ લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.