ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
- વર્ષ 2016 ના કેસમાં સિમાચિહ્નરૃપ ચુકાદો
- ચોકલેટ અને નવા કપડા આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું
સુરેન્દ્રનગર : થાનના શખ્સે વર્ષ ૨૦૧૬માં ધ્રાંગધ્રા ખાતે પાટડી તાલુકાની એક નવ વર્ષિય બાળકીને નવા કપડા અને ચોકલેટ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ધ્રાંગધ્રા શહેર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.
પાટડી તાલુકામાં રહેતા પરિવારની નવ વર્ષની બાળકી વર્ષ ૨૦૧૬માં પોતાની માતા સાથે ધ્રાંગધ્રા આવી હતી. ત્યારે થાનમાં રહેતા મહંમદહુશેન શેખે બાળકીને નવા કપડા અને ચોકલેટ આપવાની લાલચ આપી ધ્રાંગધ્રાના નવયુગ સિનેમા પાસે આવેલી અવાવરૃ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
જે અંગે બાળકીએ માતા-પિતાને જાણ કરતા બાળકીના પિતાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જે અંગેનો કેસ તાજેતરમાં ધ્રાંગધ્રા એડિશ્નલ સેશન્સ જજ એમ.પી.ચૌધરીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે દુષ્કર્મ આચરનાર મહંમદહુશેન શેખને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ રૃા.૧૦,૦૦૦નો દંડ કર્યો હતો.