મુખ્ય કેનાલમાં લીકેજ, માઇનોર કેનાલની કામગીરીથી ખેતરોમાં પાણી ભરાય રહેતા ખેડૂતોને નુકસાન

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
મુખ્ય કેનાલમાં લીકેજ, માઇનોર કેનાલની કામગીરીથી ખેતરોમાં પાણી ભરાય રહેતા ખેડૂતોને નુકસાન 1 - image


- વઢવાણના ખેરાળીની સીમમાંથી પસાર થતી 

- ગામના 20 થી વધુ ખેતરોમાં ભેજ અને ક્ષાર રહેતા ખેડૂતોને ત્રણ સિઝનમાં નુકસાન વેઠવાની નોબત 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલ મારફતે સિંચાઇ અને પીવાનું પાણી આપવામાં આવે છે. જોકે, વઢવાણ તાલુકના ખેરાળી ગામની સીમમાંથી પસાર થતી બોટાદ બ્રાન્ચ કેનાલમાં લીકેજ અને માઇનોર કેનાલની કામગીરીના કારણે ૨૦ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો છતાં પણ ઉકેલ આવતો ના હોવાના આક્ષપે ખેડૂતોએ લગાવ્યા છે. 

    વઢવાણ તાલુકાના ખેરાળી ગામની સીમમાંથી પસાર બોટાદ બ્રાન્ચ કેનાલમાંથી પાણી લીકેજ થતાં તેમજ માયનોર કેનાલની કામગીરીને કારણે ખેરાળી ગામના અંદાજે ૨૦ થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ વાવેતર કરી નહીં શકતા આર્થિક રીતે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પાણી લીકેજ થવાથી ખેડૂતોની જમીનમાં બારે મહિના ભેજ અને ક્ષાર રહેતા ત્રણેય સિઝનનો પાક અંદાજે ૨૦ થી વધુ ખેડૂતો નહિ લઈ શકતા રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. 

આ અંગે ખેરાળી ગામના ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહિ આવતા ખેડૂતોમાં નર્મદા વિભાગની બેદરકારી સામે રોષ દાખવ્યો હતો અને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

ઝાલાવાડના ખેડૂતોએ એક તરફ પ્રથમ વરસાદ બાદ વાવણી શરૂ કરી દીધી છે ત્યારે ખેરાળી ગામના અંદાજે ૨૦ થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હોવાથી હજુ સુધી વાવેતર કરી ન શકતા નુકશાની ભોગવવાનો વારો આવ્યો હોવાનો રોષ ઠાલવ્યો છે.  


Google NewsGoogle News