Get The App

રખડતા પશુઓ અંગે લખતર મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
રખડતા પશુઓ અંગે લખતર મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત 1 - image


- તંત્ર દ્વારા પગલાં ના લેવાતા હોવાનો આક્ષેપ

- દુકાનદારો, વાહનચાલકો સહિતના શહેરીજનોએ આવેદનપત્ર પાઠવી ઉકેલની માંગ કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા પશુની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. ત્યારે લખતર ખાતે શહેરીજનો તેમજ વાહનચાલકો દ્વારા માતલતદારને આવેદન પત્ર પાઠવી રખડતા ઢોરોને પકડવાની ઉગ્ર માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લખતરના મુખ્ય બજાર, શાક માર્કેટ, ઉગમણા દરવાજા, જુના બસ સ્ટેન્ડ, યોગીરાજ હોટલ સહિતના અનેક વિસ્તારમાં રખડતા ઢોર અડિંગો જમાવી બેસે છે. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને ક્યાંથી ચાલવું તે પ્રશ્ન ઉભો થયો છે.  

ઢોરમાલીકો દ્વારા સવારથી ઢોરને રખડતા છોડી મુકવામાં આવે છે. આ ઉપરાંત શહેરમાં અવાર-નવાર આખલાઓ તેમજ રખડતા ઢોર બાખડતા ઈજાઓ તેમજ મોતના બનાવો પણ બની ચુક્યા છે. ઉપરાંત રસ્તા વચ્ચે રખડતા ઢોર બેસી રહેતા ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. આ અંગે તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ના આવતાં રખડતા પશુના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લખતરના રહિશો,  દુકાનદારો, વેપારીઓ અને વાહનચાલકોએ મોટીસંખ્યામાં લખતર મામલતદાર કચેરી ખાતે ઈન્ચાર્જ મામલતદાર એમ.જે. નાકીયાને આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી અને રખડતા પશુઓને પુરી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.


Google NewsGoogle News