એસટીની નવી બસોમાં ફર્સ્ટએઈડ કિટના અભાવથી મુસાફરોને હાલાકી
- સલામત સવારીના દાવા પોકળ
- મોરબી- થરાદ બસમાં ધ્રાંગધ્રા પાસે મુસાફરને ઈજા પહોંચતા રૂમાલ બાંધવાનો વારો આવ્યો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા ખાતે બસમાં ચઢવા જતા સમયે એક યુવકને દરવાજામાં વધારાની ધારના કારણે આંગળીમા ઈજા પહોંચી હતી. ત્યારે થરાદ ડેપોની નવી નક્કોર એસટી બસમાં ફર્સ્ટ એઈડ કીટ ના હોવાથી યુવાને જાતે લોહી બંધ કરવા પ્રયત્ન કરવા પડયા હતા. જેથી એસટી તંત્રના સલામત સવારીના દાવા પોકળ સાબીત થયા હોવાનો આક્ષેપ મુસાફરોએ લગાવ્યો હતો.
ધ્રાંગધ્રાથી પસાર થતી થરાદ ડેપોની મોરબી-થરાદ બસમાં મોરબીથી વાવ તરફ જવા માટે એક મુસાફર સવાર થયો હતો. ધ્રાંગધ્રા નજીક તે બસમાં ચઢવા જતા હાથની આંગળીમા બસના દરવાજાના પતરાની ધારથી ઈજા પહોંચતા યુવક મુસાફરની આંગળી લોહીલુહાણ થઈ હતી.
જેથી પ્રાથમિક સારવાર માટે બસના કંડકટરને એક મુસાફર દ્વારા ફર્સ્ટ એઈડ બોક્સમાથી સારવાર આપવાનુ કહેવામાં આવતા ફર્સ્ટ એઈડ બોક્સમા સારવાર કીટ જ નથી તેમ કંડકટર દ્વારા જણાવવામાં આવ્યું હતુ. આથી ઈજાગ્રસ્ત યુવકે લોહી બંધ કરવા જાત પ્રયત્નો કર્યા હતા.
મોરબી-થરાદ બસ નવી નક્કોર હોવા છતાં પ્રાથમિક સારવાર કીટનો અભાવ જોવા મળ્યો હતો, તો જુની બસની શું દશા હશે તેવા સવાલો મુસાફરો સહિતનામાંથી ઉઠયા હતા.