સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં શ્રમ અધિકારીએ લઘુતમ વેતન મુદ્દે સરપ્રાઈઝ ચેકીંગ હાથધર્યું

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં શ્રમ અધિકારીએ લઘુતમ વેતન મુદ્દે સરપ્રાઈઝ ચેકીંગ હાથધર્યું 1 - image


- રજૂઆત બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું

- કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોના નિવેદનો લઈ જરૂરી રેકર્ડ કબ્જે કર્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અનુ.જાતિ સમાજના અતિ પછાત એવા વાલ્મીકી સમાજના અંદાજે ૩૦૦થી વધુ સફાઈ કામદારો, ડ્રાઈવરો ફરજ બજાવી શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યાં છે. જેમના લઘુતમ વેતન સહિતના પડતર પ્રશ્નો અંગે થોડા દિવસો પહેલા શ્રમ અધિકારીને લેખીત રજુઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પાલિકા કચેરી ખાતે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

 સુરેન્દ્રનગર પાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને લઘુતમ વેતન મુજબ દૈનિક રૂા.૪૫૨ માંથી ઈ.પી.એફ. કાપી રૂા.૩૯૭.૭૬ વેતન ચુકવવાનું હોય છે પરંતુ તેને બદલે માત્ર રૂા.૨૮૨ વેતન ચુકવવામાં આવી રહ્યું  છે અને એક સફાઈ કામદારના પગારમાંથી દૈનિક રૂા.૧૧૫.૭૬ જેટલી રકમ ઓછી ચુકવવામાં આવે છે .

આમ અંદાજે ૩૦૦થી વધુ સફાઈ કામદારો જે કોન્ટ્રાક્ટ બેઈઝ પર છે તેમના પગારની એક દિવસની અંદાજે ૩૪,૭૨૮ જેટલી રકમ ઓછી ચુકવી સફાઈ કામદારો સાથે અન્યાય તેમજ લઘુતમ વેતનના કાયદાનું પણ ઉલંધ્ધન થઈ રહ્યું છે જે અંગે ગત તા.૬ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ નવા લઘુતમ વેતન મુજબ વેતન ચુકવવા, પગાર સ્લીપ આપવી, હાજરી કાર્ડ આપવું, કોન્ટ્રાક્ટરને બદલે પાલિકાએ ૧ થી ૧૦ તારીખ સુધીમાં પગાર ચુકવવો સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી ખાતે મયુરભાઈ પાટડીયા, હિતેશભાઈ બારૈયા સહિતનાઓએ રજુઆત કરી હતી. 

જેના ભાગરૂપે શ્રમ અધિકારી કે.એન.ચુડાસમા દ્વારા પાલિકા કચેરી ખાતે સરપ્રાઈઝ તપાસ હાથ ધરતા કોન્ટ્રાક્ટરમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે તપાસ અધિકારી દ્વારા સફાઈ કામદારોના નીવેદનો પણ લેવામાં આવ્યા હતાં અને તમામ રેકર્ડ તપાસ અર્થે કબ્જે કરાયા હતાં.



Google NewsGoogle News