લખતરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ધાટન સમયે ક્ષત્રિયોએ વિરોધ કર્યો
- ડીવાયએસપીએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો
- સુત્રોચ્ચાર કરી રહેલા ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી : ભાજપના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરતા મામલો બિચક્યો
સુરેન્દ્રનગર : લખતર શહેરી વિસ્તારમાં આવેલી મોઢની ભોજનશાળામાં ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે તેમની અટકાયત કરી, પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
લખતર શહેરી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપના કાર્યાલયનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત હતા. દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા પરશોત્તમ રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કાર્યાલય તરફ રેલી સ્વરૂપે જઈ રહ્યા હતા. ત્યારે લખતર પોલીસ ટીમે સ્થળ પર પહોંચી અટકાયત કરી હતી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
આ સમગ્ર બાબતની જાણ ક્ષત્રિય સમાજના અન્ય યુવાનોને થતાં મોટીસંખ્યામાં એકત્ર થયા હતા અને રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. સામે ભાજપના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરતા મામલો બીચક્યો હતો. જેમાં ક્ષત્રિય યુવાનો અને ભાજપના કાર્યકરો વચ્ચે શાબ્દીક યુધ્ધ થયું હતું.
તેમજ ભાજપના કાર્યકરો પણ રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરતા તાલુકા પંચાયત પાસે આવેલા નાળા સુધી પહોંચી ગયા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી વી.બી.જાડેજા પણ લખતર ખાતે આવી પહોંચ્યા હતા અને લખતર પોલીસ મથકે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.