સણોસરાના કોન્ટ્રાક્ટરનું અપહરણ, ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપી
- ત્રણ શખ્સો કારમાં ઉઠાવી ગયા
- ખંડણીખોર શખ્સોએ કોન્ટ્રાક્ટર ઉપરાંત અન્ય એક હોટલના માલિકને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના સણોસરા ગામના કોન્ટ્રાક્ટરના નામે તેમના જ ગામના શખ્સે અન્ય એક વ્યક્તિ પાસેથી રૂપિયા ૨૦ ઉછીના લીધા હતા .જે રૂપિયાની ઉઘરાણી બાબતે ત્રણ શખ્સોએ કોન્ટ્રાક્ટરનું કારમાં અપહરણ કરી છરી બતાવી ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ચોટીલા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહેતા કિશનભાઇ કમાભાઇ કટેશીયા કન્ટ્રક્શનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અંદાજે ત્રણ માસ પહેલા અજયભાઇ જશકુભાઇ ધાધલ રાત્રીના સમયે કિશનભાઇના ઘરે ધસી આવ્યા હતા અને કિશનભાઇને ગાળો આપવા લાગ્યા હતા .
આથી કિશનભાઇ એ ગાળો આપવાની ના પાડી ઝઘડો કરવાનું કારણ પુછતાં અજયભાઇએ જણાવ્યું હતું કે તમારા ગામના રણજીતભાઇ ગભરૂભાઇ ધાધલ તારા નામે ૨૦ હજાર રૂપિયા મારી પાસેથી લઇ ગયાં છે એ આપી દે એમ કહી ઝપાઝપી કરી હતી.
ત્યાર બાદ ૧૬ મે ના રોજ રાત્રીના સમયે અજયભાઇ જશકુભાઇ ધાધલ, રણજીતભાઇ ગબરૂભાઇ ધાધલ અને અજયભાઇના કાકાના દિકરો ત્રણ શખ્સો કાર લઇ ગામમાં આવેલ બેન્ક પાસે ધસી આવ્યા હતા અને ત્યાં કિશનભાઇને બોલાવી બળજબરીથી કારમાં બેસાડી ધરમપુર તરફથી લઇ હતા તે દરમિયાન કારમાં કિશનભાઇને બેફામ ગાળો આપી હતી અને રાજકોટમાં જે કન્ટ્રક્શનનું કામ ચાલે છે તે કામમાંથી અડધો ભાગ આપવાની માંગ કરી હતી .
અને જો રૂપિયા નહી આપે તો આ છરી કોઇની સગી નહી થાય તેમ કહી કીશનભાઇના ગળે છરી મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને ઢીકાપાટુનો માર મારી ગાડીમાંથી ઉતારી દઇ તેમનો ફોન ફેંકી ત્રણેય શખ્સો ફરાર થઇ ગયાં હતા અને ત્યાંથી સણોસરા ગામના જ ભાદાભાઇ અરજણભાઇ ખીચડીયાનિ હોટલે જઇ અત્યાર સુધી કેમ હોટલ ખુલ્લી રાખી છે તેમ કહી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ભોગ બનનાર કિશનભાઇ કમાભાઇ કટેશીયાએ ચોટીલા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે અપહરણ તેમજ ખંડણી માંગવા સહીતની બાબતો અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.