કચોલીયાનો વિદ્યાર્થી તંત્રની બેદરકારીથી દોડ સ્પર્ધાથી વંચિત
- બેદરકારી દાખવનાર
સામે કાર્યવાહી માટે રજૂઆત
- રાજ્યકક્ષાની
સ્પર્ધા માટે રમતગમત વિભાગ કે સ્કૂલે વિદ્યાર્થીને જાણ જ ન કરી
સુરેન્દ્રનગર : પાટડીના કચોલીયા ગામનો ૧૭ વર્ષી કિશોર રાજ્યકક્ષાની દોડ સ્પર્ધામાં તંત્રની બેદરકારીનો ભોગ બન્યો હતો. પરિવારે રમત-ગમત વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી દોષિતો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
કચોલીયા ગામે
ધો.૧૧ કોમર્સમાં અભ્યાસ કરતા કિશોર ધર્મેન્દ્ર કનૈયાલાલ છાબલીયાએ તાજેતરમાં ધ્રાંગધ્રા
ખાતે યોજાયેલી જિલ્લાકક્ષાના રમતોત્સવમાં ૮૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
ધર્મેન્દ્ર છાબલીયાની આગામી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પણ પસંદગી થઈ હતી. ૭ નવેમ્બરથી
પંચમહાલ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના રમતોત્સવ અંગે કિશોર ધર્મેન્દ્ર છાબલીયાને જિલ્લાના
રમત-ગમત વિભાગ કે સ્કુલ દ્વારા જાણ કરવામાં ન આવતા સ્પર્ધામાં ભાગ લેવાથી વંચીત રહ્યો
હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૯ નવેમ્બરે પરિવારને ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી.
જિલ્લાના સ્થાનિક રમત-ગમત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે ૧૭ વર્ષીય
કિશોર રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક ન મળતા પરિવારે જિલ્લા રમત-ગમત અધિકારી
સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. તેમજ બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે
નિષ્પક્ષ રીતે તપાસ કરી કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.