Get The App

ઝાલાવાડના ખેડુતોએ સરકારના કૃષી રાહત સહાય પેકેજ સામે નારાજગી દર્શાવી

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
ઝાલાવાડના ખેડુતોએ સરકારના કૃષી રાહત સહાય પેકેજ સામે નારાજગી દર્શાવી 1 - image


- નુકસાની મુજબ વધુ રકમનું સહાય પેકેજ જાહેર કરવા માગ

- નુકસાની સામે ઓછું પેકેજ જાહેર કર્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગત ઓગષ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનને લઈ ખેડુતો માટે કૃષી રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની આ જાહેરાતને મુળી, ચોટીલા સહિતના તાલુકાના ખેડુતોએ માત્ર લોલીપોપ હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર દ્વારા જે વળતર જાહેર કરવામાં આવ્યું છે તે જીલ્લાના ખેડુતો માટે ખુબ જ નજીવું હોવાથી સરકારે ખેડુતો સાથે મશ્કરી કરી હોવાનું ખેડુતો જણાવી રહ્યાં છે.

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, થાન, ચોટીલા, લખતર, વઢવાણ સહિતના તાલુકાઓમાં ગત ઓગષ્ટ મહિનામા એટલે કે જન્માષ્ટમીના તહેવાર પર ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડુતોના કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું. ખેડુતો દ્વારા સરકાર પાસે નુકસાની સામે પુરતા વળતરની માગ કરી હતી. જેને પગલે સરકારે નુકસાની અંગે સર્વે હાથ ધર્યો હતો. તાજેતરમાં આ સર્વેના રીપોર્ટના આધારે મુખ્યમંત્રી તેમજ કૃષીમંત્રી દ્વારા કુલ રૃા.૧૪૧૯.૬૨ કરોડનું કૃષી રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના ૨૦ જીલ્લાઓ સાથે સુરેન્દ્રનગર જીલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં એસડીઆરએફના નિયમો અંતર્ગત ૩૩ %થી વધુ નુકસાન હોય તેવા અંદાજે ૭ લાખથી વધુ ખેડુતોને વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે. સહાય પેકેજની જાહેરાતથી ઝાલાવાડના ખેડુતોમાં નારાજગી હોવા મળી રહી છે.  મુળી તાલુકાના દુધઈ, પલાસા, સડલા, ખાટડી, વગડીયા, રામપરડા સહિતના અનેક ગામોમાં કપાસ, મગફળી, તલ સહિતના પાકોને મોટાપાયે નુકસાન જતાં ખેડુતોની હાલત કફોડી થઈ છે. 

ઓગષ્ટ બાદ પણ વરસાદથી નુકસાન થયું છતાં સરકારે નોંધ ન લીધી

ઝાલાવાડમાં માત્ર ઓગષ્ટ મહિનો જ નહિં પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ નોંધાયો છે. જેને કારણે ખેડુતોના બચેલા પાક પર પણ પાણી ફરી વળતાં મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાછોતરા વરસાદથી નુકસાન થયું હોવા છતાં સરકારે તેની કોઈ નોંધ લીધી નહતી. આ સાથે વધુ રકમનું સહાય પેકેજ નુકસાની મુજબ જાહેર કરવામાં આવે તેવી માગ ખેડુતોએ કરી છે.



Google NewsGoogle News