ઝાલાવડ પંથકમાં આજે ધૂળેટીની ઉજવણી કરશે
- રંગોત્સવની ધૂમ, બાળકો સહિત તમામ લોકો ધૂળેટીના રંગે રંગાશે
- રંગબેરંગી કલર, કેસૂડાનું પાણી એકબીજા પર છંટાશે, તિલક લગાવાશે
સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં પણ આજે ધુળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જેને લઈ નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
આજે રંગોના તહેવાર એવાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ રંગોના પર્વ એવા ધૂળેટીની ઉજવણીને ધ્યાને લઈ નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગત વર્ષની સરખામણીએ વિવિધ રંગો સહિત પીચકારીઓના ભાવોમાં પણ અંદાજે ૧૦ થી ૧૫% જેટલો વધારો થયો છે તેમ છતાંય લોકો ધુળેટીના પર્વ પર રંગો અને પીચકારીઓની ખરીદી કરતા નજરે પડયા હતા. ઘુળેટીના પૂર્વ દિવસે શહેરની બજારોમાં છુટક તેમજ હોલસેલ વેપારીઓ અને દુકાનદારોને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી.
નાના ભુલકાઓથી લઈ મોટેરાઓ અને યુવાનો હોળી, ધૂળેટીના પર્વની ઉજવણીને ધ્યાને લઈ વિવિધ રંગો અને નાની-મોટી સાઈઝની અલગ-અલગ ડિઝાઈનની પીચકારીઓ ખરીદતાં નજરે પડયાં હતાં.
જ્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સ્થાનીક તંત્ર અને સરકાર દ્વારા શહેરીજનો કેમિકલ યુક્ત રંગો અને ઓઈલ જેવા સ્વાસ્થ્યને હાનીકારક કલરો વડે ધુળેટી ન મનાવે તે માટે તકેદારી રાખવા આહવાન કર્યું હતું.
ચાલુ વર્ષે હર્બલ ગુલાલ તેમજ રંગો વડે ધુળેટીનો તહેવાર મનાવવા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી સવારથી જ શહેરી વિસ્તારોમાં શેરી, મહોલ્લા, સોસાયટીઓ, કોમન પ્લોટ વગેરે સ્થળો પર યુવાધન પોતાના મીત્રોને રંગોથી રંગવા સજ્જ થઈ નીકળી પડશે. જ્યારે સોસાયટી વિસ્તારની મહિલાઓ અને યુવતીઓ પણ એકબીજાને રંગોથી ભરી મુકવા અવનવા પેતરાઓ રચી તહેવારનો આનંદ માણશે આમ સમગ્ર ઝાલાવાડ આજે ધુળેટીના રંગમાં રંગાઈ જાશે.