જેટકોએ ઈલેક્ટ્રિક આસીસ્ટન્ટની ભરતી પ્રક્રિયા રદ્દ કરતા ઉમેદવારોમાં રોષ
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત
- પરીક્ષા યથાવત રાખવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું : માંગ નહીં સ્વિકારાય તો આંદોલનની ચિમકી
સુરેન્દ્રનગર : તાજેતરમાં જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી. જેની સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ અને એલોટમેન્ટ યાદી તૈયાર થઇ ગયા બાદ અચાનક ગેરરીતિના નામે ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કરવામાં આવતા ઉમેદવારોમાં રોષની લાગણી ફેલાઇ છે. રોષે ભરાયેલા ઉમેદવારો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતાં. જ્યાં લેખિતમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, જેટકો દ્વારા તાજેતરમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી. જેની પ્રથમ પોલ ટેસ્ટ માર્ચ માસમાં લેવામાં આવી હતી. ત્યારબાદ અંદાજે પાંચ મહિના બાદ બીજા તબક્કાની લેખીત પરિક્ષા પણ સપ્ટેમ્બર માસમાં લેવામાં આવી હતી.
ત્યારબાદ ફાઇનલ એલોટમેન્ટ લિસ્ટની યાદી પણ તૈયાર કરી દેવામાં આવ્યા બાદ મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશની કામગીરી પણ પૂર્ણ કરી દીધા બાદ અચાનક ભરતી પ્રક્રિયામાં પોલ ટેસ્ટમાં ઉલ્લંઘન થયું હોવાનું જણાવી ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
આ ભરતી પ્રક્રિયામાં કુલ ૧,૨૨૪ ઉમેદવારો પસંદગી પામ્યાં હતાં. અચાનક ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસંદગી પામેલા ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, પરિક્ષામાં કોઇ ગેરરીતિ નથી થઇ તેમ છતાં જેટકોને સંતોષ ના હોય તો તાત્કાલિક પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે અને લેખીત પરિક્ષામાં કોઇ ગેરરીતિ થઇ ન હોવાથી લેખીત પરિક્ષા બીજીવાર ના લેવામાં આવે તેમજ પસંદ થયેલા ૧૨૨૪ ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા હકારાત્મક નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ મામલે જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો પસંદગી પામેલા ઉમેદવારો દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ તકે મોટીસંખ્યામાં ભોગ બનનારા ઉમેદવારો સહિત યુવાનો જોડાયા હતા.