ધ્રાંગધ્રાના ભરાડા ગામની સીમમાં બેફામ ખનીજ ચોરી સામે તંત્ર લાચાર
- ગ્રામજનો અવાજ ઉઠાવો તો મારી નાંખવાની ધમકી મળે
- પાટડીના ડે.કલેક્ટરે દરોડા પાડયા તેનાથી થોડા અંતરે જ માટી-રેતીની બેફામ ચોરી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે વોકળા નજીકથી પાટડી ડેપ્યુટી કલેકટર સહિતની ટીમે ગેરકાયદેસર ખનીજચોરી કરતા વાહનો સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો પરંતુ આ જગ્યાએથી થોડા જ અંતરે અન્ય ત્રણ પ્લાન્ટ કાર્યરત છે જેમની પાસે પણ કોઈ સ્ટોક લાયસન્સ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવા માથાભારે ભુમાફીયાઓને પોલીસનો કે તંત્રનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે.
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની સીમમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર માટી તેમજ ખનીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં પાટડી ડેપ્યુટી કલેકટરની ટીમે ભરાડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી કરતા એક હીટાચી મશીન અને એક ડમ્પર સહિતનો મુદ્દામાલ ઝડપા હતો. પરંતુ આ જગ્યાએથી થોડા જ અંતરમાં અન્ય ત્રણ થી ચાર પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યાં છે. તેમાંથી મોટાપાયે માટી અને રેતીની ચોરી થઈ રહી છે.
ભુમાફીયાઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તેમજ ખાણ ખનીજની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. તેમજ ખનીજ ચોરીને લઇ જો કોઇ રજૂઆત કે વિરોધ કરે તો તેને ખાણમાફિયા દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળે છે. ત્યારે આવા માથાભારે ભુમાફીયાને હદપારની સજા થાય તેવી પણ માગ ઉઠવા પામી છે.