થાનમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ઉગ્ર રજૂઆત
- ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી
- મહિલાઓ સહિત સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે રોષ ઠાલવ્યો
સુરેન્દ્રનગર : થાન નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે વહીવટદારને ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમજ સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, થાન નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા રસ્તા, ગટર, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. પીવાનું શુધ્ધ પાણી પણ આપવામાં આવતું નથી. તેમજ હોસ્પિટલમાં પુરતા સાધનો કે ડોક્ટરો નથી. તેમજ શાળાઓમાં પુરા વર્ગ ન હોવાના તેમજ યુવાનો માટે રમત-ગમતનું ગ્રાઉન્ડ નથી.
અંદાજે સવા લાખથી વધુ વસ્તી ધરાવતા થાન શહેરી સહિત તાલુકામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જે મામલે અગાઉ પણ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં મહિલાઓ સહિત આગેવાનોએ પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકા તંત્રને ઉગ્ર રજુઆતો કરી હતી અને તમામ સુવિધાઓ પુરી પાડવામાં નહિં આવે તો આક્રમક દેખાવો કરવાની ચિમકી ઉચ્ચારી હતી.