ચોટીલામાં ફનિક્યુલર રાઈડ પ્રોજેક્ટના ખાતમુહૂર્તના બદલે માત્ર પૂજા કરાઇ
- વન વિભાગની મંજૂરી બાકી હોવાથી કાર્યક્રમ પડતો મુકાયો
- પગથિયા ના ચઢવા પડે તે માટે 21 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવાનું હતું
સુરેન્દ્રનગર : યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુંઓને ડુંગરના પગથિયા ચઢવાથી રાહત મળે તે હેતુથી ચોટીલા માતાજી ડુંગર ટ્રસ્ટ તેમજ મહંત પરિવાર દ્વારા ફનિક્યુલર રાઈડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ વન વિભાગની મંજુરી બાકી હોવાથી માત્ર માતાજીની પુજા અર્ચના કરવામાં આવી હતી. ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આજના દિવસ પુરતો પડતો મુકાયો હતો.
ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરના અંદાજે ૬૫૦થી વધુ પગથિયા છે. ત્યારે ભક્તોને ડુંગરના પગથિયા ચડવાથી રાહત મળે તેમજ મોટી ઉંમરના ભક્તો પણ સરળતાથી માતાજીના દર્શન કરી શકે તેવા હેતુથી ચોટીલા માતાજી ડુંગર ટ્રસ્ટ તેમજ મહંત પરિવાર દ્વારા અંદાજે રૂ.૨૧ કરોડના ખર્ચે ફનિક્યુલર રાઇડ પ્રોજેક્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.
પરંતુ ડુંગર પર આવેલી અમુક જગ્યાઓ વન વિભાગ હસ્તકની હોવાથી તે અંગે મંજુરીની પ્રક્રિયા બાકી હોવાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નહોતું. તેને બદલે કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે સહિતના આગેવાનો દ્વારા માતાજીની પુજા અર્ચના કરવામાં આવી હતી. જ્યારે અચાનક ખાતમુહૂર્તને બદલે પુજા કરવામાં આવતાં ચોટીલા ડુંગર ટ્રસ્ટ પરિવાર સહિત ભક્તોમાં આ મામલે રોષ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૨માં ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા મંજુરી માટે ફાઈલ મુકવામાં આવી હોવા છતાં હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓ માત્ર ૪૫ પગથિયાં ચડી ફનિક્યુલર રાઇડમાં બેસી પાંચ મિનિટમાં મંદિર નજીક પહોંચી દર્શન કરી શકશે.
અગાઉ ડુંગર પર રોપ-વે પ્રોજેક્ટની મંજુરી આપવામાં આવી હતી પરંતુ આ પ્રોજેક્ટ પણ વિવાદમાં આવતા હજુ સુધી કાંઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે ફનિક્યુલર રાઈડના પ્રોજેક્ટના ખાતમુહૂર્તને દિવસે જ માત્ર પુજા અર્ચના થતાં લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.