થાનના લિવ ઈન પ્રકરણમાં ડબલ મર્ડર બાદ ઇજાગ્રસ્ત મહિલાનું મોત
- સારસાણા ગામની સીમમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો
- મૃતક યુવકની માતાનું મોત નીપજતા બનાવ ત્રીપલ મર્ડરમાં ફેરવાયો ઃ પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર : થાન તાલુકાના સારસાણા ગામની સીમમાં આવેલી વાડીમાં બે દિવસ પહેલા પિતા અને પુત્રની ત્રણ શખ્સો દ્વારા પ્રેમપ્રકરણ અને મૈત્રીકરાર બાબતનું મનદુઃખ રાખી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હતી. આ બનાવમાં મૃતક યુવકની માતાને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક દિવસની સારવાર બાદ માતાનું પણ મોત નિપજતા ડબલ હત્યાનો બનાવ ત્રીપલ હત્યામાં પરિણામ્યો હતો.
સારસાણા ગામની સીમમાં આવેલા વાડીમાં દિવાળીની રજાઓ દરમિયાન ચોટીલાના સુરઈ ગામે રહેતા ભાવેશભાઈ ધુધાભાઈ બજાણીયા અને મૈત્રીકરાર કરી છેલ્લા પાંચ મહિનાથી સાથે રહી રહેલી સંગીતાબેન પિતા ધુધાભાઈ અને પરિવારજનોની સાથે રહેવા માટે આવ્યા હતા. દરમિયાન સંગીતાબેનના પૂર્વપતિ દિનેશ નાનજીભાઈ સાપરા, ભાઈ દિનેશ સુખાભાઈ સાબરીયા અને કાકાજી સસરા જેશાભાઈ નરશીભાઈ સાપરા સહિતનાઓ આવી પહોંચ્યા હતા અને મૈત્રીકરારનું મનદુઃખ રાખી બોલાચાલી કરી હતી.
જેમાં મામલો ઉગ્ર બનતા ત્રણેયે એકસંપ થઈ છરી અને લાકડીના ઘા ઝીંકી ભાવેશ તેમજ તેમના પિતા ધુધાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મોત ની૫જ્યા હતા અને સમગ્ર બનાવ ડબલ હત્યામાં પરિણામ્યો હતો. જ્યારે આ બનાવમાં મૃતક ભાવેશભાઈના માતા મંજુબેનને પણ પેટના ભાગે છરીના ઘા વાગતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માતા મંજુબેન ધુધાભાઈ બજાણીયાનું પણ મોત નીપજ્યું હતું. પિતા અને પુત્ર બાદ માતાનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુ આંક ત્રણ પર પહોંચતા ડબલ હત્યાનો બનાવ ત્રીપલ હત્યામાં ફેરવાયો હતો.