વિરમગામમાં તસ્કરો દુકાનના તાળાં તોડી 25 હજારની મત્તા ચોરી ગયા
ભરવાડી દરવાજા બહાર મિલ રોડ પરની ઘટના
મેડિકલ સ્ટોરમાંથી ગલ્લાના રૂપિયા, જીવ દયા અને વૃદ્ધાશ્રમની દાન પેટીઓ તોડી રોકડ લઈ ગયા
વિરમગામ: વિરમગામ શહેરના ભરવાડી દરવાજા બહાર મિલ રોડ ઉપર આવેલી દવાની દુકાનમાં તસ્કરોએ રૂપિયા ૨૫થી ૩૦ હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે વિરમગામ ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
વિરમગામ સદામચાલીમાં રહેતા નસીબ ખાન મલેક વિરમગામ ભરવાડી દરવાજા મિલ રોડ ઉપર દવાનો અષ્ટ સિદ્ધ નામનો મેડિકલ સ્ટોર ધરાવે છે. કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે તેમની દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના ગલ્લામાં રહેલી રોકડ રકમ, ગાયોના ઘાસચારા માટેની જીવ દયાની દાન પેટી તેમજ વૃદ્ધાશ્રમની દાન પેટી તોડી તેમાં ભેગી થયેલી રોકડ રકમ આશરે ૨૫થી ૩૦ હજારની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નજીકમાં જ સીસીટીવી લગાવેલા કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. અગાઉ ટાઉન પોલીસ દ્વારા લોક ભાગીદારીથી વિરમગામ શહેરમાં મુખ્ય બજારો સહિત વિવિધ જગ્યાએ લગાવવામાં આવ્યા હતા પરંતુ મેન્ટેનન્સના અભાવે શહેરમાં લગાવેલા મોટા ભાગના સીસીટીવી કેમેરા હાલ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા રાત્રીના વિવિધ જગ્યાઓએ પોલીસ પોઇન્ટ મૂકવામાં આવેલો હોવા છતાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે વેપારીઓ દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠવા પામી છે.