નાના મઢાદ ગામે ખાણમાં જોરદાર બ્લાસ્ટ કરાતા ગ્રામજનોમાં ફફડાટ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
નાના મઢાદ ગામે ખાણમાં જોરદાર બ્લાસ્ટ કરાતા ગ્રામજનોમાં ફફડાટ 1 - image

નાના મઢાદ ગામે ખાણમાં જોરદાર બ્લાસ્ટ કરાતા ગ્રામજનોમાં ફફડાટ 2 - image

- છ માસ બાદ ફરીથી ખનીજ માફિયાઓ સક્રિય

- બ્લાસ્ટિંના કારણે વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાતા શ્વાસોશ્વાસમાં તકલીફની ફરિયાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના મઢાદ ગામની સીમમાં ગેરકાયદેસર બ્લેકસ્ટોનનું ખોદકામ ફરી શરૂ થઇ ગયું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. અગાઉ ખનીજ માફીયાઓ વિરૂધ્ધ ખાણખનીજ વિભાગે કાર્યવાહી હાથધર્યા બાદ અંદાજે ૬ માસ ખનન બંધ રહ્યું હતુ પરંતુ ફરી ગેરકાયદેસર ખનન શરૂ થતાં મોડી સાંજે ખાણમાં જોરદાર બ્લાસ્ટ કરવામાં આવતા નાના મઢાદના ગ્રામજનો ભયના માર્યા બહાર દોડી આવ્યા હતાં. તેમજ બ્લાસ્ટીંગના કારણે ઝેરી ગેસ વાતાવરણમાં ભળતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે ગેરકાયદેસર ખનન કરતા શખ્સો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

નાના મઢાદ અને મોટા મઢાદ ગામની સીમમાં મોટા પાયે બ્લેકસ્ટોનનો ભંડાર આવેલો છે. જેને લઇને ખનીજ માફીયાઓ દ્વારા અંહી ધરતીનું પેટાળ ચીરીને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે અને તંત્ર જાણે મુકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. નામા મઢાદ ગામની સીમમાં ખનીજ માફીયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બ્લેકસ્ટોનનું ખનન કરવામાં આવતુ હતુ. ખાણોમાં પથ્થરો તોડવા માટે ભયંકર તીવ્રતાના ભડાકા એટલે કે બ્લાસ્ટ કરવામાં આવે છે. જેની તીવ્રતા એટલી બઘી હોય છે કે ખાણમાં બ્લાસ્ટ કરવામાં આવે તેના કારણે નાના મઢાદ ગામમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થાય છે. 

ત્યારે મોડી સાંજે ખનીજ માફીયાઓ દ્વારા આવી જ ભયાનક તીવ્રતાનો બ્લાસ્ટ કરવામાં આવતા નાના મઢાદના ગ્રામજનો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતાં. બ્લાસ્ટની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઘરોમાં અભરાઇમાં રહેલા વાસણો પણ નીચે પડી ગયાં હતાં. અગાઉ આ જ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી ખાણોના માલિકો વિરૂદ્ધ ખાણખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે થોડા સમય માટે ખનન બંધ થઇ ગયું હતું.

પરંતુ ખનીજ માફીયાઓને તંત્રનો કાંઇ ડર જ ન હોય તેમ ફરી ગેરકાયદેસર ખનન શરૂ કરી દેતા સ્થાનિક તંત્ર અને ખાણખનિજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. ખાણોમાં થતાં બ્લાસ્ટના કારણે પથ્થરો ઉડીને ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર પડવાના પણ બનાવો બને છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. થોડા સમય પહેલા જ સુદામડામાં ગેરકાયદેસર ખોદકમાનો દરોડો કરી તંત્રએ કરોડોનો દંડ ફટકાર્યો હોવા છતાં ખનીજ માફીયાઓને કોઇ જ પ્રકારનો ડર ન હોય તેમ નાના મઢાદમાં ફરી ખનીજ માફીયાઓ સક્રીય થયાં છે. 

પથ્થરોના ખોદકામ માટે ખાણોમાં બ્લાસ્ટ કરી પથ્થરો તોડવામાં આવે છે. આ બ્લાસ્ટીંગ માટે જીલેટીન સ્ટીકનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અનર જીલેટીન સ્ટીક એટલે કે વિસ્ફોટક સામાન ભરેલી ગાડી પણ ગામમાંથી જ પસાર થાય છે અને તે ગાડી પણ મોટા ભાગે વિધાર્થીઓ શાળાએ જતાં હોય તેવા સમયે કોઇ પણ જાતના સેફ્ટીના સાધનો વગર પસાર થાય છે જેને લઇને મોટી દુર્ઘટનાનો પણ ભય છે

ખાણખનીજ વિભાગ દ્વારા અગાઉ ગેરકાયદેસર ખનન અંગે નાના મઢાદ ગામની સીમમાં દરોડો કર્યો હતો અને ગેરકાયદેસર ખનન કરનાર શખ્સોને રૂા.૧.૨૧ અબજનો દંડ ફટકાર્યો હતો. જો કે તંત્ર દ્વારા હજુ સુધી આ દંડની વસુલાત કરવામાં આવી નથી અને ફરીવાર તે જ જગ્યાએ ફરીવાર ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.



Google NewsGoogle News